(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૧
પાટીદાર અનામત આંદોલનથી ઊભરી આવેલા અને પછી કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. હાર્દિકને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવતા પાટીદારોનું પ્રભુત્વ વધવા પામ્યું છે. આ ઉપરાંત ત્રણ જિલ્લા પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને અધ્યક્ષ પદે યથાવત રાખવામાં આવ્યા છે. જયારે કાર્યકારી અધ્યક્ષ પદે હાર્દિક પટેલની નિમણૂક કરી ક્ષત્રિય અને પાટીદાર એમ બેલેન્સ કરવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પરમાર, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે આનંદ ચૌધરી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે યાસીન ગજજનની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ટવીટ કરી હાર્દિક પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે આપણા યુવા સાથી હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનવા પર હાર્દિક શુભકામનાઓ જનહિતની લડાઈ સાથે મળીને અમે મજબૂતીથી લડીશું. નવ નિયુકત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને પણ નવી જવાબદારી માટે તેમણે તથા અન્ય આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા, આ જવાબદારી સોંપાયા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાના હિત સાથે જોડાયેલા મુદ્દાઓને સરકારની સામે રજૂ કરી લડત આપવાનો અમારો પ્રયાસ રહેશે. ગુજરાતમાં ર૦રરમાં કોંગ્રેસ સત્તા પર આવે તથા આગામી પેટાચૂંટણીની તમામ સીટો જીતે તેવા પ્રયાસો કાલથી જ શરૂ કરવામાં આવશે.