(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૯
વર્ષ ૨૦૧૫ પાટીદાર અનામત આંદોલન રાજદ્રોહ કેસની આજરોજ શહેરની સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં આરોપીઓ અલ્પેશ કથીરિયા, દિનેશ બામણિયા અને ચીરાગ પટેલ આજે હાજર રહ્યા હતા. જો કે, આજે હાર્દિક ફરીવાર ગેરહાજર રહ્યો હતો. ગત સુનાવણીએ કોર્ટે તેની સામે હાજર ન રહેતા બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું. જો કે, તે વોરંટ બજ્યું ન હતું. પરિણામે આજે સરકાર તરફી તેની વિરૂદ્ધ વોરંટ રિઈસ્યુ કરવાની એક અરજી આપવામાં આવી છે અને જે હાર્દિક વતી જામીનદારો હોય તેમની સામે પણ નોટિસ ઈશ્યુ કરવાની એક અરજી આપી હતી. કારણ કે, તેણે જે સરનામું ચાર્જશીટ અને જામીન અરજીમાં જે સરનામું જણાવ્યું હતું, તે જગ્યાએ તે રહેતો નથી તેવો રિપોર્ટ સામે આવ્યો છે. હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે, ફરી ગેરહાજર રહેતા કોર્ટે જામીનદારોને નોટિસ ઈશ્યુ કરી છે, તો સાથે જ વધુમાં આજે અલ્પેશ કથીરિયા દ્વારા ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી છે. વધુ સુનાવણી ૭મી માર્ચે થશે. હાર્દિક પટેલ ગેરહાજર સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ અગાઉ નીકળેલ વોરંટ આજે પણ યથાવત્‌ રાખ્યું છે.
વારંવાર કેસની સુનાવણીમાં ગેરહાજર રહેતા હાર્દિક સામે સેશન્સ કોર્ટે ગત સુનાવણીએ લાલ આંખ કરતા બીજીવાર બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું.
પાટીદાર આંદોલન ૨૦૧૫ના રાજદ્રોહ કેસને મામલે હાર્દિક વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું. અગાઉ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ થયું હતું. જેમાં હાર્દિકે દરેક સુનાવણીમાં કોર્ટમાં હાજર રહીશ, તેવી બાહેંધરી કોર્ટેને આપી હતી. ત્યારબાદ પણ તે હાજર ન રહેતા કોર્ટે ફરીવાર બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરેલુ છે. સેશન્સ કોર્ટે ફરીવાર બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરતા હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે. અગાઉની સુનાવણીમાં પણ રાજદ્રોહના કેસમાં વારંવાર ગેરહાજર રહેલા હાર્દિક પટેલ વિરૂદ્ધ વોરંટ ઇશ્યુ કરાયું હતું, જે બાદ હાર્દિકની વિરમગામ નજીકથી ધરપકડ કરાયા બાદ જસ્ટિસ ગણાત્રા સમક્ષ રજૂ કરાયો હતો. જજે હાર્દિકને ૨૪ તારીખ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ એસીપી રાજદીપસિંહ ઝાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરતા વિરમગામ પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હાર્દિકે જામીન અરજી કોર્ટમાં કરી હતી. જેમાં કોર્ટે હાર્દિકને રાહત આપી હતી અને હાર્દિક પટેલના જામીન મંજૂર રાખ્યા હતા. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના ૨૫,૦૦૦ હજારના બોન્ડ સાથે શરતી જામીન મંજૂર કર્યા હતા. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહે તેવો કોર્ટે હાર્દિકને આદેશ આપ્યો હતો. જો કે, તે ફરીવાર હાજર ન રહેતા કોર્ટે લાલઆંખ કરતા બિનજામીનપાત્ર વોર્ટ ફરીવાર ઈશ્યુ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ અમદાવાદમાં પટેલોને અનામત આપવાની માંગ યોજાયેલી રેલીમાં હિંસા ફાટી નીકળતા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિક પટેલને જુલાઇ, ૨૦૧૬માં જામીન આપવામાં આવ્યા હતા. નવેમ્બર, ૨૦૧૮માં કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ આરોપો ઘડ્યા હતા. પાટીદાર નેતાના વકીલ દ્વારા કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવ્યાની વિરૂદ્ધમાં સરકારની અરજી સ્વીકાર્યા પછી એડિશનલ સેશન્સ જજ ગણાત્રાએ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું. સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં હાજર થવામાંથી વારંવાર મુક્તિ મેળવીને હાર્દિક પટેલ કેસની સુનાવણીને વિલંબિત કરવા માંગે છે. હાર્દિક પટેલ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાયો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ નિયમિતપણે કોર્ટમાં હાજરી ન આપીને જામીનની શરતોનું ભંગ કરી રહ્યા છે અને સુનાવણીને વિલંબિત કરી રહ્યા છે.