જામનગર, તા.ર૭
જામનગર શહેરમાં બપોરે ૧રઃ૪પ વાગ્યે અને મુશળધાર વરસાદ તૂટી પડયો હતો. થોડાક જ કલાકોમાં દે-ધનાધન જેવો અનરાધાર વરસાદ ખાબકતાં શહેર-જિલ્લામાં માર્ગો અને ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા.
આજે બપોરે ૧૨થી સાંજે ૬ વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં ૩૧ મીમી, કાલાવડમાં ૧૫ મીમી, લાલપુરમાં ૮ મીમી, જામજોધપુર ૧૩ મીમી, ધ્રોલમાં ૩૮ મીમી અને જોડિયામાં ૧૩૧ મીમી નોંધાયો છે, જ્યારે કે ગ્રામ્ય વિસ્તારોમાં બે થી સાત ઈંચ વરસાદ નોંધ્યો છે. જોડિયા તાલુકાના જીરાગઢ ગામે સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદના કારણે નવરાત્રિના આયોજનો અને તેમાંય ખાસ કરીને અગાઉ યોજાયેલ વેલકમ નવરાત્રિ જેવા આજના કાર્યક્રમો રદ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
હાલારમાં ગઈકાલે ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર પધરામણી થતા સમગ્ર હાલાર પંથકમાં બે ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ખંભાળીયા પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચારથી પાંચ ઈંચ જેટલો ભારે વરસાદના વાવડ છે.
આજે સવારે પુરા થતા ર૪ કલાક દરમિયાન જામનગરમાં ૧૪ મી.મી., કાલાવડમાં ૩૯ મી.મી. લાલપુરમાં ૪૭ મી.મી., જામજોધપુરમાં૩ મી.મી. ધ્રોલમાં ૧૩ મી.મી. અને જોડિયામાં ૮ મી.મી. વરસાદ થયો હતો. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. મોટી બાણુંગારમાં રપ મી.મી., ફલ્લામાં ર૩ મી.મી., જામવણંથલીમાં ૪પ મી.મી., અલીયાબાડામાં પપ મી.મી., દરેડમાં ૩પ મી.મી., જાલીયાદેવાણીમાં ૭પ મી.મી., નિકાવામાં ૪૭ મી.મી., ભલસાણ બેરાજામાં પ૮ મી.મી., મોટા વડાળામાં પ૦ મી.મી., વાંસજાળીયામાં રર, ધૂનડામાં ર૮, પીપરટોડામાં ૬૩, મોટા ખડબામાં ર૦ અને મોડપરમાં ૧૦૬ મી.મી. વરસાદ થયો હતો. તો દેવભૂમિ દ્વારકામાં ૧૩ મી.મી., ભાણવડમાં ર૪, કલ્યાણપુરમાં ૩૬ અને ખંભાળીયામાં પ૭ મી.મી. વરસાદ થયો હતો.
ખંભાળીયા શહેરમાં ગઈકાલે ર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ખંભાળીયાની નજીકના હર્ષદપુર, હાપીવાડી, નવી વાડી, હરિપુર વગેરે વિસ્તારો, પીપળીયા વાડી વિસ્તાર, એરોડ્રામ વાડી વિસ્તારમાં બે કલાકમાં ચારથી પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ પડતા તમામ નદી-નાળા છલકાઈ ગયા હતા.