(સંવાદદાતા દ્વારા)
જામનગર,તા.૨
જામનગર સહિત સમગ્ર હાલાર ઉપર હિકા વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ હવે નિસર્ગ વાવાઝોડાનો ભય ઉભો થયો છે. જો કે જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લામાં આ વાવાઝોડુ એટલી અસર નહીં કરે અને વાવાઝોડાનો ખતરો ઓછો થયો છે ત્યારે છેલ્લા મળતા સમાચાર મુજબ તા.૪ અને ૫ જુનના રોજ હાલારમાં ભારે વરસાદની શકયતા હોવાની હવામાન ખાતાએ આગાહી કરી છે, દરીયા કિનારે બોટને પાછી બોલાવવામાં આવી છે, માછીમારોને દરીયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.
અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયાના જણાવ્યા મુજબ જામનગર ઉપર હાલ તો વાવાઝોડાનો ભય ઓછો થયો છે, પરંતુ તંત્ર કોઇ કચાશ રાખવા માંગતુ નથી, તમામ મામલતદારોને સુચના આપી દેવામાં આવી છે, તા.૪ અને ૫ ભારે વરસાદની શકયતા છે અને તંત્ર એલર્ટ બન્યું છે.