કોરોના હળવો થતાં અને રસીકરણ શરૂ થયા બાદ નાગરિકતા સંશોધન અધિનિયમનો અમલ કરવા ગૃહમંત્રીની જાહેરાત

(એજન્સી) કોલકાતા, તા.૨૧
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કોલકાતામાં એવી ઘોષણા કરી હતી કે કોરોનાનું જોર હળવું થતાં અને રસીકરણ શરૂ થયા બાદ બનતી ત્વરાએ સીએએનો અમલ શરૂ કરવામાં આવશે. રવિવારે બંગાળની મુલાકાતના બીજા દિવસે એક પત્રકાર પરિષદને સંબોધતા શાહે કહ્યું હતું કે, ‘સુધારેલા નાગરિકત્વ કાયદાના નિયમો હજી ઘડવાના બાકી છે કારણ કે કોરોના વાયરસને કારણે હજી ઘણી બધી મોટી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, જલદી રસીકરણ અભિયાન શરૂ થશે અને કોરોના ચેન તૂટશે, ત્યારે અમે તેના પર વિચાર કરીશું.’ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, દેશમાં હજારો ગેરકાયદે ઘુસણખોરો છે. એમાં કેટલાક આતંકવાદી કે તેમના સહાયકો પણ હોઇ શકે છે. એટલે સીએએનો અમલ વહેલો થાય એ દેશના હિતમાં છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાના કાર કાફલા પર થયેલા હુમલાના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના આઇપીએસ અધિકારીઓને તેડું મોકલતો જે પત્ર મોકલ્યો છે એે બંધારણીય છે એવો દાવો પણ તેમણે કર્યો હતો. અત્રે એ યાદ રહે કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એ અધિકારીઓને કેન્દ્રના પત્રની પરવા નહીં કરવાનો અને દિલ્હી નહીં જવાનો આદેશ આપ્યો હતો. મમતાએ એવો દાવો કર્યો હતો કે આ પત્ર રાજ્ય સરકારના કામકાજમાં દખલરૂપ હતો. એમના આદેશના પગલે આઇપીઈએસ અધિકારીઓ દ્વિધામાં મૂકાયા હતા. મમતાનું વર્તન કેન્દ્ર સાથે સંઘર્ષરૂપ હતું. બોલપુરમાં જંગી રેલી યોજ્યા બાદ શાહ પત્રકાર પરિષમાં બોલી રહ્યા હતા. તમે સીએએનો અમલ ક્યારે કરવાના છો એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, કોરોનાના કારણે એના અમલમાં વિલંબ થયો હતો. કોરોના હળવો થતાં સીએએનો અમલ ત્વરિત કરવામાં આવશે.