(એજન્સી) લંડન, તા. ૯
ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ પાછલા વર્ષે ઓગસ્ટમાં જ શરૂ થઇ ગયું હતું તેવા લંડનની હાવર્ડ યુનિવર્સિટીના અહેવાલમાં જાણવા મળ્યું છે. હાર્વર્ડ મેડીકલ સ્કૂલના રિસર્ચ અનુસાર આ જાણકારી સેટેલાઇટ ઇમેજ અને સર્ચ એન્જિન ડેટા પરથી મળી છે. સેટેલાઇટ ઇમેજમાં ઓગસ્ટમાં ચીનની હોસ્પિટલો બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ દેખાઇ રહી છે. સર્ચ એન્જિનમાં આ દરમિયાન કફ અને શરદી અંગે ઘણું બધું સર્ચ કરાયું હતું. બીજી તરફ ચીને આ અહેવાલને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે મંગળવારે પત્રકાર પરિષદ કરીને આ તારણોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે, હોસ્પિટલોમાં વધતી ભીડ અને સર્ચ એન્જિનના ડેટાના આધારે આ નિષ્કર્ષ કાઢવું એકદમ હાસ્યાસ્પદ છે.
રિપોર્ટ અનુસાર સેટેલાઇટ ઇમેજમાં વુહાનની હોસ્પિટલોમાં પાર્કિંગમાં મોટી સંખ્યામાં વાહનો દેખાઇ રહ્યા છે. આ દરમિયાન સર્ચ એન્જિન પર મહામારીના લક્ષણોમાં સામેલ કફ અને ડાયેરિયા સંબંધિત સવાલોના ડેટા પણ મળ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો અને તેના લક્ષણો અંગે સર્ચ કરવા અંગેનો ડેટા ડિસેમ્બર પહેલાનો છે. ચીને કોરોનાના સંક્રમણની માહિતી ડિસેમ્બરમાં આપી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે આનાથી એ જાણવા મળતું નથી કે, હોસ્પિટલોમાં દર્દીઓની વધુ પડતી ભીડ મહામારીથી સંબંધિત હતી કે નહીં. પરંતુ અમને જે પુરાવા મળ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે વાયરસ વુહાનના સીફૂડ માર્કેટમાં તેની ઓળખ થઇ તે પહેલાથી જ હતો. રિપોર્ટ અનુસાર વાયરસની ઉત્પત્તિ પ્રાકૃતિક રીતે જ દક્ષિણ ચીનમાં થઇ છે અને સંભવ છે કે વુહાનમાં ક્લસ્ટર પહેલા જ તેની હાજરી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, એવું પણ બની શકે કે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે તેની જાણકારી ચીનને ના હોય. તેમની હવામાનને કારણે શરદી-ખાંસી અને ડાયરિયા થયો હોવાનું સમજીને સારવાર કરાતી હોય. રિસર્ચને લીડ કરી રહેલા ડોક્ટર બ્રાઉનસ્ટેને કહ્યું છે કે, આ વાસ્તવિકતાથી વાયરસની ઉત્પત્તિની જાણકારી સમજી શકાય છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, કાંઇક તો એવું હતું જેના કારણે હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.