પાંચમા તબક્કાની મંત્રણામાં ખેડૂતો કાયદાઓ રદ કરવાની માગ પર અડગ રહેતા સરકાર બેકફૂટ પર આવી, ખેડૂતોએ કહ્યું, અમે કાયદાઓ રદ કરવા સિવાય કોઇ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી
ફરીવાર ચર્ચા કરવાનો પ્રસ્તાવ કર્યા બાદ ખેડૂતો અડધો કલાક સુધી ‘યસ’ ઓર ‘નો’ના પ્લેકાર્ડ સાથે મૌન ધરણા પર બેઠા, આખરે વધુ સમયનો સરકાર દ્વારા પ્રસ્તાવ અપાયો
(એજન્સી)
નવી દિલ્હી, તા. ૫
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓનો ભારે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્રના મંત્રીઓ વચ્ચે છઠ્ઠા તબક્કાની મંત્રણા પણ કોઇ નિષ્કર્ષ વિના સમાપ્ત થઇ હતી અને હવે આગામી બુધવારે ૯મી ડિસેમ્બરે ફરીવાર ખેડૂતોની કાયદાઓ રદ કરવાનીમાગ અંગે સરકાર ફરીવાર ખેડૂત પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરશે. બેઠક શરૂ થયા બાદ સરકારના મંત્રીઓ દ્વારા કાયદાઓ પર ચર્ચા કરવા માટે ફરીવાર પ્રસ્તાવ અપાયો હતો પરંતુ ખેડૂત પ્રતિનિધિઓએ કાયદાઓ રદ કરવા સિવાય કોઇપણ મુદ્દે વાત કરવા તૈયાર ન હોવાનુંં સ્પષ્ટ જણાવ્યા બાદ હાથમાં ‘યસ’ અથવા ‘નો’ના પ્લેકાર્ડ લઇને મૌન ધરણા પર બેસી ગયા હતા. આ પહેલા તેમણે અર્થવગરની વાત ગણાવતા બેઠક છોડી જવાની પણ ધમકી ઉચ્ચારી હતી. બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, સરકારના અન્ય લોકો સાથે ચર્ચા કર્યા બાદ ખેડૂતો સમક્ષ નવો પ્રસ્તાવ મુકવામાં આવશે. શનિવારની પાંચમી તબક્કાની મંત્રણા પહેલા ગૃહમંત્રી અમિત શાહ, નરેન્દરસિંહ તોમર અને રાજનાથસિંહ સહિતના મંત્રીઓએ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કાયદાઓમાં ફેરફાર કરવાના પ્રસ્તાવ પર ખેડૂત નેતાઓ ભડક્યા હતા અને આખા દેશમાં જલદ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ આઠમીએ ભારત બંધનું એલાન પણ કરી દીધું હતું. હજારોની સંખ્યામાં હજુ પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર જમાવડો કરીને બેઠા છે.
બેઠક બાદ નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, જે પણ નિર્ણય આવે પરંતુ ખેડૂતોએ નરેન્દ્ર મોદી સરકારમાં વિશ્વાસ રાખવો પડશે, આ તેમના હિતમાં હશે. શિષ્ત જાળવી રાખવા માટે હું ખેડૂત નેતાઓનો આભાર માનું છું. આજની બેઠક પણ કોઇ નિષ્કર્ષ વિના પૂરી થઇ હોવાથી અમે આગામી ૯મી ડિસેમ્બરે ફરી મંત્રણા કરવાનો સમય માગ્યો છે. તેમણે કહ્યું કે, અમે ખેડૂતોને સમજાવ્યા છે કે, એમએસપી ચાલુ રહેશે અને તેમાં કોઇ ચિંતા જેવી વાત નથી. તેના પર શંકા કરવી આધાર વિનાની છે. જો કોઇને તેમાં શંકા હોય તો સરકાર તેનો ઉકેલ લાવવા તૈયાર છે. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર, રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓને લેખિતમાં પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ ખેડૂતોના અડગ વલણ આગળ સરકારે ઝૂકવું પડ્યું હતું. બેઠક પહેલા જ ખેડૂત નેતા હરસુલિન્દરસિંહે ચેતવણી આપી હતી કે, અમે કાયદા રદ કરવાની માગ કરી રહ્યા છીએ અને તેમાં સુધારા કરવાના કોઇપણ પ્રસ્તાવને સ્વીકારીશું નહીં. મંત્રણા ચાલુ થતાં જ જુનિયર મંત્રીએ જણાવ્યું હતું કે, નવા કાયદાઓ અંગે ખેડૂતોને શંકા છે અને સરકાર અને ઐતિહાસિક ગણાવે છે તથા તે ખેડૂતોને તેમની ઉપજને તેમની પસંદગીના માર્કેટ તથા કિંમતો પર વેચવાની પરવાનગી આપે છે આ વાત આજે સ્પષ્ટ થશે. ખેડૂતો આ દેખાવો બંધ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત આંદોલન અંગે બેઠક કરી હતી જ્યારે રવિવારે તેઓ વારાણસી ગયા હતા ત્યારે આ ત્રણેય કાયદાઓનું ભરપૂર સમર્થન કર્યું હતું અને ખેડૂત આંદોલનને વિપક્ષ પ્રેરિત ગણાવ્યું હતું. બેઠક દરમિયાન નરેન્દ્રસિંહ તોમરે વૃદ્ધ મહિલાઓ અને બાળકોને દેખાવસ્થળેથી પોતાના ઘરે પરત મોકલવાની વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૨૬ નવેમ્બરથી રાષ્ટ્રીય પાટનગરની વિવિધ સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માગ પર અડગ છે જ્યારે સરકાર આ કાયદાઓમાં ફેરફાર કરવા માટે તૈયાર છે.
Recent Comments