શાહની મિદનાપુરની રેલીમાં શુવેન્દુ અધિકારી  ઉપરાંત TMCના ૪૦થી વધુ નેતાઓ ભાજપમાં સામેલ

ચૂંટણી જેમ નજીક આવશે તેમ મમતા એકલાં પડી જશે, અમિત શાહે બળવાખોરોને આવકારતા કહ્યું

TMCના છ, CPM-CPI અને કોંગ્રેસના એક-એક ધારાસભ્યો ભાજપમાં જોડાયા

(એજન્સી) મિદનાપુર, તા. ૧૯
તૃણમુલ કોંગ્રેસનાપૂર્વ દિગ્ગજ નેતા શુવેન્દુ અધિકારી શનિવારે પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં અમિત શાહની એક રેલી દરમિયાન સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે છ અન્ય ટીએમસીના ધારાસભ્યો, બે ડાબેરી ધારાસભ્યો અને એક કોંગ્રેસના ધારાસભ્ય તથા ટીએમસીના એક સાંસદ ભાજપમાં જોડાયા હતા. બંગાળની તાજેતરની રાજનીતિમાં આ સૌથી મોટો પક્ષપલટો છે. અમિત શાહે જણાવ્યું હતું કે, અધિકારીનું ભાજપમાં જોડાવું શનિવારના કાર્યક્રમની ઝાંખી કરાવે છે. ભાજપમાં જોડાનારાઓમાં ટીએમસી સાંસદ સુનિલ મંડલ, ધારાસભ્ય બંસરી મૈતી, ધારાસભ્ય સિલભદ્ર દત્તા, ધારાસભ્ય બિશ્વજીત કુંડુ, ધારાસભ્ય દિપાલી બિશ્વાસ, ધારાસભ્ય સુકરા મુંડા અને ધારાસભ્ય સાઇકત પુજાનો સમાવેશ થાય છે. સીપીએમનાધારાસભ્ય તાપસી મંડલ, સીપીઆઇના ધારાસભ્ય અશોક ડિંડા, કોંગ્રેસના ધારાસભ્ય સુદિપ મુખરજી પણ ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના બે દિવસના બંગાળ પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે શુવેન્દ અધિકારી એક જાહેર રેલીમાં ભાજપમાં જોડાયા હતા અને તેમને રેલીમાં મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાયા બાદ શુવેન્દુએ ટીએમસી સુપ્રીમ મમતા બેનરજી પર ધારદાર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળની પ્રજા અત્યંત મહત્વના વળાંક પર ઉભી છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં લોકો જે કોઈ પક્ષને પસંદ કરશે તેની અસર તેમના પર આજીવન રહેશે. અમિત શાહની મિદનાપોરની રેલીમાં શુવેન્દુ અધિકારી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે ટીએમસીના વર્ધમાન પુરબના બે ટર્મના લોકસભા સાંસદ સુનિલ મોંડલ પણ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત ટીએમસીના પાંચ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા હતા જેમાં બંરસી મૈતી, શિલભદ્ર દુત્તા, બિસ્વજીત કુંડુ, સુકરા મુંડા અને સૈકત પંજાનો સમાવેશ થાય છે. ૨૦૧૬માં સીપીઆઈએમની ટિકિટ પર ગજોલ બેઠકથી એમએલએ ચૂંટાયા બાદ ટીએમસીમાં જોડાયેલા દિપાલી બિસ્વાસે પણ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. સીપીઆઈએમના ધારાસભ્ય તાપસી મંડલ, તમલુકના સીપીઆઈ એમએલએ અશોક ડિંડા અને કોંગ્રેસના પુરુલિયાના એમએલએ સુદીપ મુખરજી પણ ભાજપમાં જોડાયા હતા. ટીએમસીના પૂર્વ સાંસદ દશરથ તિર્કેએ પણ ભગવો ધારણ કર્યો હતો. તેમજ ટીએમસી, ડારેબી અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્યામાપ્રસાદ મુખરજીએ પણ ભાજપનો ખેસ ગ્રહણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ જ શુભેન્દુએ ભાજપના તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ભરપેટ વખાણ કર્યા હતા. બીજીતરફ તેમણે કહ્યું કે, મમતા બેનરજીના નેતૃત્વમાં ટીએમસીમાં સડો પેસી ગયો છે. હું કહેવા માંગુ છું કે પશ્ચિમ બંગાળ કે તૃણમૂલ કોંગ્રેસ એ કોઈની જાગીર નથી. પાર્ટી એક દિવસમાં કોઈ એક વ્યક્તિથી નથી બનતી.