(એજન્સી) જયપુર-નવી દિલ્હી, તા. ૨
કાસગંજ હિંસાનો પડઘો શુક્રવારે સંસદમાં પણ પડ્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે સંસદ પરિસરમાં કહ્યું કે, હિંદુ જ હિંદુને મારી રહ્યો છે અને મુસ્લિમો પર આરોપ લગાવી દેવાય છે. તેમણે કહ્યું કે, હું સંસદમાં એ માટે આ મુદ્દે બોલ્યો કારણ કે, સરકાર આ અંગે નિવેદન આપે અને સ્પષ્ટતા કરે. તેમણે એમ પણ કહ્યું કે, ‘જુઠ્ઠા આરોપો અંતર્ગત પકડવામાં આવેલા લોકોને મુક્ત કરવામાં આવે.જે લોકો ખરેખર દોષિત છે અને જેમણે ગોળીઓ ચલાવી છે તેમને પકડવામાં આવે. આવા સમયે સવાલ એ ઉઠે છે કે, હત્યા કોણ કરી રહ્યું છે ? હિંદુએ જ હિંદુને માર્યો. એક મુસ્લિમ પર આરોપ લગાવી દેવામાં આવ્યો કારણ કે, તેના ત્રણ ભાઇઓ વિરૂદ્ધ પહેલાથી જ ફરિયાદ નોંધાયેલી છે.’
કાસગંજ હિંસામાં ચંદન ગુપ્તાને ગોળી વાગવાથી મૃત્યુ પામ્યો હતો.ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા ઘણા લોકોને પકડી પાડ્યા હતા. સપા નેતાએ કહ્યું કે, મુસ્લિમોને ઘરોમાં ઘુસીને મારવામાં આવ્યા અને તેમના પર ખોટા આરોપો લગાવાયા તથા નિર્દોષોને પકડીલેવામાં આવ્યા તથા તેમની સંપત્તિ નષ્ટ કરાઇ રહી છે. આગ લગાવવામાં આવે છે તેમ છતાં પોલીસ કાંઇ કરી રહી નથી. બીજી તરફ રામ ગોપાલયાદવના નિવેદન સામે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા પણ વ્યક્ત કરાઇ હતી. ઉલ્લેેખનીય છે કે, ગણતંત્ર દિવસના અવસરે કાસગંજમાં ભડકેલી હિંસામાં ચંદન ગુપ્તા નામના શખ્સની ગોળી મારી હત્યા થઇ હતી. ચંદનની માતાએ આરોપ લગાવ્યો હતો કે, તેમના પુત્રને પાકિસ્તાન જિંદાબાદ બોલવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે બોલવાનો ઇન્કાર કર્યો ત્યારે તેને ગોળી મારવામાં આવી. પોલીસે આ અંગે સલીમના નામના એક શખ્સને પકડી તેને મુખ્ય આરોપી ગણાવ્યો છે. પોલીસ અનુસાર સલીમે જ છત પરથી ગોળી ચલાવી હતી. બીજી તરફ હિંસા સાથે જોડાયેલો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તિરંગો હાથમાં લઇને નીકળેલા હિંદુવાદી યુવકો પાસે રિવોલ્વર પણ હતી અને તેઓ ફાયરિંગ કરી રહ્યા હતા.