(એજન્સી) મુંબઇ, તા. ૧૩
માર્ચમાં કોરોના વાયરસ લોકડાઉનથી બંધ પડેલા મંદિરો તથા ધાર્મિક સ્થાનો ખોલવા મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી વચ્ચે આકરી ટીપ્પણીઓ થઇ છે. રાજ્યપાલ દ્વારા આકરી ટીપ્પણીઓથી ભરેલા પત્રમાં ઉદ્ધવને ધર્મનિરપેક્ષ ગણાવાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ આકરા પ્રહાર કરતા લખ્યું હતું કે, તેમને રાજ્યપાલ કે અન્ય કોઇ પાસેથી હિંદુત્વ માટે સર્ટિફિકેટ લેવાની જરૂર નથી સાથે જ તેઓએ કંગના રાનૌત વિવાદને પણ યાદ અપાવ્યો હતો. સોમવારે રાજ્યપાલ કોશિયારીએ ઉદ્ધવને પત્ર લખ્યો હતો અને કોરોના વાયરસ માપદંડો સાથે ધર્મસ્થાનો ફરી ખોલવાની જાહેરાત કરવા આગ્રહ કર્યો હતો. કોશિયારીએ પત્રમાં લખ્યું કે, ‘તમે મજબૂત રીતે હિંદુત્વ સાથે વળગેલા છો. મુખ્યમંત્રી બન્યા બાદ તમે જાહેરમાં અયોધ્યા જઇને ભગવાન રામન પ્રત્યે શ્રદ્ધા જાહેર કરી હતી. તમે પંઢરપુરમાં વિઠ્ઠલ રૂકમિણી મંદિરની મુલાકાત લીધી હતી અને અષાઢી એકાદશી પર પૂજા કરી હતી. મને આશ્ચર્ય છે કે, તમને કોઇ અલૌકિક આભાસ થઇ રહ્યો છે જેનાથી તમે મંદિરો ખોલવાનો નિર્ણય ટાળી રહ્યા છો અથવા જે શબ્દથી તમે નફરત કરતા હતા તેવા અચાનક ‘ધર્મનિરપેક્ષ’ બની ગયા છો.
રાજ્યપાલના આ પત્રનો આકરો જવાબ આપતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેમને રાજ્યપાલ અથવા કોઇ અન્ય પાસેથી હિંદુત્વ માટે સર્ટિફિકેટ લેવાની જરૂર નથી અને ધર્મસ્થાનો ખોલવા માટે સાવચેતીભરી વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે. તમે કહો છો મને કોઇ અલૌકિક આભાસ થઇ રહ્યો છે? ઠાકરેએ ઉમેર્યું કે, મુંબઇને પીઓકે કહેનારા લોકોને આમંત્રણ આપવાથી મારી હિંદુત્વની છબિ ખરડાતી નથી. ગયા મહિને સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં કૂદી પડેલી કંગનાએ કહ્યું હતું કે, મુંબઇમાં રહેવું હવે સુરક્ષિત નથી અને મુંબઇ પીઓકે જેવું બની ગયું છે. આ દરમિયાન જ કોશિયારી કંગના રાનૌતને મળ્યા હતા. ઠાકરેએ રાજ્યપાલને યાદ અપાવ્યું કે, મંદિરો ખોલવા કે તેમાં વિલંબ કરવો કોઇ ધર્મનિરપેક્ષતાનો સવાલ નથી સાથે સવાલ કર્યો કે, કોશિયારી પોતાની જ બંધારણીય શપથને ભૂલી ગયા છે. તમે તે ભૂલી ગયા કે, જ્યારે તમે બંધારણના શપથ લીધા હતા ત્યારે ‘ધર્મનિરપેક્ષ’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો ? કે પછી તેને ફગાવી રહ્યા છો ? મંદિરોને ફરી ખોલવાનું પણ ધર્મનિરપેક્ષ નથી અને તેમને બંધ રાખવા પણ ધર્મનિરપેક્ષ નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, અચાનક લોકડાઉન લાદી દેવું ખોટું હતું અને અચાનક તેને ખોલી દેવું પણ ખોટું છે. મંદિરો ફરી ખોલવા અંગે એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત બાદ કોશિયારીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જોકે, ઉદ્ધવે કહ્યું કે, આ તમામ ત્રણ પત્રો ભાજપના પદાધિકારીઓ અને સમર્થકો તરફથી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં આ બીજું વિપક્ષ શાસિત રાજ્ય છે જ્યાં મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો વચ્ચે ચકમક ઝર્યા કરે છે. પશ્ચિમ બંગાળમાં પણ મુખ્યમંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનખડ વચ્ચે શાબ્દિક ટપાટપી થયા કરે છે. આ રાજ્યપાલોને હંમેશાકેન્દ્ર સરકાર પ્રત્યે ઝૂકાવ રહે છે.
કોશિયારીએ પોતાના પત્રમાં એવું પણ જણાવ્યું હતું કે, મને આશ્ચર્ય થાય છે કે, એક તરફ રાજ્ય સરકાર બાર્સ, રેસ્ટોન્ટ્‌સ અને બીચો ખોલવાની પરવાનગી આપે છે આપણા દેવી-દેવતાઓને લોકડાઉનમાં રાખે છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે અને અહીં હજુ પણ ૨.૧૩ લાખ જેટલા કેસ એક્ટિવ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યારસુધી ૪૦ હજારથી વધુ મોત થઇ ગયા છે.