(એજન્સી) તા.૨૨
કેરળમાં અવસ્થી અને રહેમાન દ્વારા સ્પેશિયલ મેરેજ એક્ટ ૧૯૫૪ હેઠળ ૧૫, જુલાઇના રોજ લગ્ન કરવામાં આવ્યાં હતા. તેઓ તેમના દાંપત્ય જીવનની શરૂઆત કરવાની તૈયારીમાં હતાં કે અવસ્થીની એક બહેનપણીએ તેને વોટ્‌સએપ ગ્રુપ પર વહેતા થયેલા મેસેજ અંગે જાણ કરી હતી.
આ મેસેજમાં ૧૩ ઇમેજ હતી. આ ઇમેજમાં અવસ્થી અને રહેમાન ઉપરાંત ૧૨ અન્ય આંતરધર્મિય યુગલોના સૂચિત લગ્નની નોટિસની ઇમેજ હતી કે જેમણે લગ્ન કરી લીધાં હતાં અથવા જેમના લગ્નની હજુ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી બાકી હતી. આ ઇમેજમાં એક સામાન્ય પરિબળ એ હતું કે દુલ્હન કન્યા હિંદુ છે અને વરરાજા મુસ્લિમ છે અને તેથી તેમના સંબંધોને લવજેહાદ તરીકે ખપાવવામાં આવી હતી.
આ વોટ્‌સએપ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આ લવજેહાદીઓ છે. જો તમે તેમને ઓળખતા હો તો તમારે તમને મદદ કરવી જોઇએ. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ યુગલોના લગ્ન અંગેના દસ્તાવેજો કેરળ સરકારના રજીસ્ટ્રેશન વિભાગની વેબસાઇટ પર જાહેર પરીક્ષેત્રમાં મૂક્યાં હતાં જે કોઇ પણ ડાઉનલોડ કરી શકે છે. આ ઘટનાના પગલે બે મુદ્દા ઉપસ્થિત થાય છે. એક તો અંગત માહિતીને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાની કાર્યવાહીનું બંધારણીય ઔચિત્ય કેટલું છે અને બીજું લવજેહાદના ટેગનો ઉપયોગ કરીને કોમી નફરત ભડકાવવાનું કૃત્ય કેટલું યોગ્ય છે.
આમ હિંદુ-મુસ્લિમ યુગલોને હેરાન કરવા માટે જમણેરી કાર્યકરો હવે તેમના લગ્ન દસ્તાવેજોનો દુરુપયોગ કરી રહ્યા છે. આ બાબત પ્રાઇવસીના ગંભીર ઉલ્લંઘન સમાન જ નથી, પરંતુ આંતરધર્મીય લગ્નો સામે લવ જેહાદના જમણેરી પાંખના આક્ષેપોનું એક બીજું પ્રકરણ છે અને આવા કેટલાય યુગલોને સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની નોટિસો જોવા મળી છે.