(એજન્સી) મેરઠ, તા. ૩૧
કાસગંજમાં ભડકે બળેલી આગ હજુ શાંત નથી ત્યાં તો મેરઠમાં હિંદુ યુવા વાહિનીના ગુંડાઓ દ્વારા મુસ્લિમ યુવકને માર મારવાની ઘટના બની છે તેને એક યુવતીને હેરાન કરવાનો આરોપ લગાવી માર મારવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર ટોળાએ ઝાહીધ ખાન નામના મુસ્લિમ યુવકને અન્ય ધર્મની યુવતીને હેરાન કરતો હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો. ઝાહીદ ખાન હેરાનગતિનો દાવો કરતી યુવતીના ઘરે પોતાના પરિવારજનો સાથે ગયો હતો. ઝાહીદ અને યુવતી છેલ્લા ચાર વર્ષથી મિત્રો હતા. બંને વચ્ચે કાંઇ ગેરસમજ થતા કટ્ટરવાદી જૂથો દ્વારા તેને હેરાનગતિનું નામ આપી દેવાયું. ઝાહીદના મોટાભાઇ સારિક ખાને કહ્યું કે, બંને પરિવારો બેસીને આ મામલો ઉકેલવા તૈયાર હતા. જોકે, હિંદુ યુવા વાહિનીનો રાજ્ય સચિવ નાગેન્દ્ર તોમર ચાર વ્યક્તિઓ સાથે જઇ મોહનપુરી વિસ્તારમાં જાહેરમાં ઝાહીદને માર માર્યો હતો. તોમર કહેતો હતો કે, અમે આરોપીને પકડી લીધો છે અને તેને પોલીસ પાસે સોંપી દીધો છે. અમારા જૂથમાં અજાણ્યા લોકો ઘૂસીને તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાને એક પત્રકાર કવર કરી રહ્યો હતો. જોકે, ટોળાએ તેને ધક્કો મારી તેની પાસેથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો. જોકે, પત્રકાર દ્વારા ફરિયાદ કરાયા બાદ તોમર સહિત બેને અટકાયતમા લેવાયા હતા. એસપી માનસિંહ ચૌહાણે જણાવ્યું કે હિંદુ યુવા વાહિનીના કાર્યકરોનું વર્તન અયોગ્ય હતું. તેઓ કાયદો હાથમાં ન લઇ શકે. અમે તેમની સામે કડક પગલાં લઇશું.