હિંમતનગર, તા.૧૩
હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદ હેઠળના સંજર નગર અને પાણપુર પાટિયા જેવા લઘુમતી બહુમત ધરાવતા વિસ્તારોમાં વેપારીઓ અને સ્થાનિકો સાથે છેલ્લા એક મહિનાથી અનેક પ્રકારે કનડગત અને રંજાડ સ્થાનિક પોલીસ કર્મચારીઓ કરી રહ્યા છે તેમજ તારીખ ૧૦/૫/૨૦૨૦ના રોજ સદર વિસ્તારમાં દૈનિક છૂટક ધંધો કરતા લઘુમતી વેપારીઓ સાથે દમદાટી અને દાદાગીરી કરી પોલીસકર્મીઓએ કાયદાથી ઉપરવટ જઈ વેપારી સાથે મારપીટ કરી વેપારી અને અન્યો વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. જે અનુસંધાને નિર્દોષ યુવકો કે જેઓ આ વિસ્તારથી ઘણા જ દૂર રહે છે અને બનાવથી તદ્દન અજાણ હોવા છતાં પોલીસે નિર્દોષોને અમાનુષી માર મારી ફરિયાદમાં ખોટા આરોપો સાથે સંડોવી દીધા છે. ઈફતારના સમયે જ પોલીસ કર્મીઓ આ વિસ્તારની મહિલા, બાળકો, વૃદ્ધોને બેફામ મારી મારી ઘરના બારી બારણા તોડી ઘરમાં ઘૂસી જઈને પકડી લઈને ખોટી ફરિયાદ દાખલ કરી છે. આ વિસ્તારમાં ખાનગી સીસીટીવી કેમેરા તોડીને સીસીટીવીનું મોનિટર અને કોમ્પ્યુટર પણ આ પોલીસ કર્મચારીઓ ઉઠાવી ગયા છે. છેલ્લા એક માસથી પોલીસની વિવિધ યાતનાઓથી ત્રસ્ત આ વિસ્તારના વેપારીઓએ રહેવાસીઓ, સામાજિક કાર્યકરોએ સાથે મળી આજરોજ કલેક્ટરને સંબોધીને મામલતદાર તથા જિલ્લા પોલીસ વડા હિંમતનગરને વિવિધ મુદ્દાસરની રજૂઆતો આવેદનપત્ર દ્વારા પાઠવવામાં આવી છે અને દરેક મુદ્દા બાબતે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવાની માંગ સાથે રૂરલ પોલીસ સ્ટેશન હિંમતનગરના ત્રાસમાંથી ઉગારવાની કલેક્ટર પાસે માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપતી વખતે નિશારભાઈ શેખ ચણાવાળા, વહાબ અન્સારી, મીરખાન મકરાણી, જાફર દિવાન, પ્રો. સોયેબ મન્સુરી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.