(સંવાદદાતા દ્વારા) કેશરપુરા, તા.ર૦
જમિયતે ઉલ્મા-એ-હિન્દ સાબરકાંઠડા આયોજીત વર્તમાન પરિસ્થિતિમાં આપણી જવાબદારી અને જમિયતે ઉલ્મા-એ-હિન્દની કામગીરીને ઉજાગર કરતો કાર્યક્રમ મેમન સમાજવાડી લાલપુર (વિજાપુર રોડ) મુકામે યોજવામાં આવેલ જેમાં સા.કાં. જિલ્લાના તમામ પંથના મુસલમાનો ઉપસ્થિત રહી હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો.
કુર્આન શરીફની તિલાવતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને બ.કાં. જિલ્લાના પ્રમુખ મો.અબ્દુલ કુદ્દુસ સાહબ હતા અને ખાસ મહેમાન જમિયતે ઉલ્મા-એ-હિન્દના જનરલ સેક્રેટરી મૌલાના હકીમુદ્દીન કાસમી સાહબ દિલ્હીથી આવ્યા હતા. તદઉપરાંત બ.કાં.થી અતીકુરર્રહમાન કુરેશી, પાટણથી દાઉદ સાહબ અને ઈમરાન સાહબ, દાંતાથી અલાઉદ્દીન સાહબ ઓર્ગેનાઈજર હાફીજ બશર તથા મો.અબુલ હસન ઉપસ્થિત રહ્યા હતા. સા.કાં. જિલ્લા જમિયતે ઉલ્મા-એ-હિન્દના પ્રમુખ જ.ખાદીમ લાલપુરીએ હાજર રહી સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
અમીનુલ કુર્આનના મૌલવી સાહબે ચાલુ જમાનામાં જે પ્રમાણે જીવન જીવાઈ રહ્યું છે તેના ઉપર ગહન વિચાર વ્યક્ત કરતાં ઔરતોને શીખ લેવા ઉપર ભાર મૂક્યો હતો. ગુલામહૈદર ડોડિયા (કેશરપુરા)એ ટૂંકા વક્તવ્યમાં જમિયતે ઉલ્મા-એ-હિન્દની બનાસકાંઠા પૂર વખતે કરેલી કામગીરીને બિરદાવી હતી અને સાબરકાંઠામાં અલગ-અલગ ફિરકાઓમાં વહેંચાયેલ મુસ્લિમ બિરાદરોને એક બની સંગઠિત થવા હાકલ કરી હતી. હમ મઝહબના હક અદા કરી સંપ અને એકતાની ભાવનાથી રહેવા ઉપર ભાર મૂક્યો હતો.
આ પછી શિયા અને સુન્ની બરેલવી તથા દેવબંદ જમાતના તમામ કોમના લોકોએ સામૂહિક બાજમાઅત મગરીબની નમાઝ અદા કરી હતી અને પછી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો. બીજા સેશનની શરૂઆતમાં ખાદીમ લાલપુરીએ જમિયતે ઉલ્મા-એ-હિન્દની કામગીરી ઉપર પ્રકાશ ફેંકતા જણાવેલ કે આઝાદી માટે કામગીરી કરી અત્યારે પણ માનવસેવાના કાર્યમાં રત છે. મૌલવી મુફ્તી અઝીઝ સાહબએ જણાવ્યું હતું કે, તલાક જેવા મસ્અલાથી મુસ્લિમ કોમ ઉપર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. ઈસ્લામના કાયદાને ખોટા સાબિત કરવાની કોશિશ થઈ રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી જાગૃતિ લાવવાની જરૂર છે. જમિયતના જનરલ સેક્રેટરી હકીમુદ્દીન કાસમી સાહબે જણાવ્યું હતું કે, જમિયત દેશમાં જ્યાં જ્યાં લોકો મુસીબતમાં ફસાયેલા છે. તેમની મદદ કરે છે. દેશમાં સારું વાતાવરણ ઊભું કરાઈ રહ્યું છે. આપણા બુઝુર્ગોએ પણ ખૂન વહાવી દેશની આઝાદીમાં યોગદાન આપ્યું છે. માયુસ થવાની જરૂર નથી. ઘણા બેકસૂર કેદમાં છે, ઘણી ઔરતો ઉમરલાયક થવા છતાં શાદી થઈ શકી નથી. જ્યારે વલીમાના જમણવારમાં અઢળક ખર્ચા થાય છે. સીરિયામાં બાળકો બેહાલ છે. ગરીબોને મદદની જરૂર છે. રર, ર૩, ર૪ ફેબ્રુઆરી ર૦૧૯માં ઈ.સ.જમિયતના સો ઉજવણીના પ્રોગ્રામમાં સામેલ થવા જણાવ્યું હતું.
જી.એસ. દેધરોટિયાએ જણાવેલ કે ઈસ્લામ ધર્મ માત્ર મુસલમાનો માટે નથી પણ તમામ માનવજાતના કલ્યાણ માટે છે. આજે બેટી બચાવો બેઢી પઢાવોની કેન્દ્ર સરકારની જાહેરાત થઈ છે. પણ ૧૪૦૦ વર્ષો પહેલાં આપણા નબી (સ.અ.વ.) જીવતી બેટીઓને દાટી દેતી અટકાવી દીકરીના મહિમાને ઉજાગર કર્યો હતો. વડાલી મદ્દસના મૌલાના આરીફે જણાવ્યું હતું કે, જેને ઈલ્મથી નવાજેશ કરવામાં આવે છે. તેનો મુકામ ઊંચો હોય છે અને જેનો મુકામ ઊંચો હોય છે તેની જવાબદારીઓ પણ વધારે રહે છે. તે હિસાબે ઉલ્લાઓએ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની જરૂર છે. મૌલવી સૈફુદ્દીન સા. (ગઢા)એ જણાવ્યું કે, આપણે બેચારા બનીને નથી રહેવાનું રાષ્ટ્રીય લેવલે આપણી તાકાત હોય તો તે જમિયતે ઉલ્મા-એ-હિન્દ છે. તેની કામગીરી ઉમદા છેે. હસનભાઈ કાટવાડવાળાએ જમાનાની માંગ પ્રમાણે એક થવા ઉપર ભાર મૂક્યો હતો. બ.કાં.ના અતીકુરર્રહમાને જણાવ્યું કે, બ.કાં.ના પૂરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલાં પહોંચી કામગીરી કરી છે. જ્યાં સરકારની મદદ નથી પહોંચી ત્યાં જમિયતે કામ કર્યું છે અને હિન્દુ પ્રજામાં અનેરી ચાહના ઊભી કરી છે. અધ્યક્ષ મો.અબ્દુલ કુદ્દુસ સાહબ જણાવ્યું હતું કે, કોઈ કામ કરવા માટે ધૂન સવાર કરવી પડે. ધાનેરામાં એવું કામ કર્યું કે ગેર મુસ્લિમોમાં આપણો વિશ્વાસ વધી ગયો. ભાષણો ઘણા આપ્યા પણ હવે કામ કરવાની જરૂર છે.
સમગ્ર કાર્યક્રમમાં ખાદીમ લાલપુરી તથા સવગઢ સરપંચ સાજીદભાઈ રેવાસિયાના માર્ગદર્શન હેઠળ પાણપુર તથા લાલપુર યુવક મંડળે કામ કરી સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કારી મો.હમદાદએ કર્યું હતું. આભારવિધિ મો.મોહસીને કરી હતી.