હિંમતનગર, તા.૨૭
સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક એવા હિંમતનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા હિંમતનગર ગાંભોઈ રોડ પર આવેલ સહકારી જીનમાં છેલ્લાં કેટલાક સમયથી કપાસ ખરીદી માટે સરકારે શરૂ કરેલા ખરીદ કેન્દ્ર પર જિલ્લાના વિવિધ સ્થળેથી વાહનોમાં ભરીને લવાતા કપાસની હરાજી કરીને ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ગુરૂવારે કપાસ વેચવા આવેલા કેટલાક ખેડૂતોનો માલ હલકી કક્ષાનો હોવાનો આક્ષેપ કરીને સીઆઈઆઈના અધિકારીએ પોતાની મનમાની ચલાવીને કપાસ ખરીદતા હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવી દેતા સહકારી જીનમાં એક કલાક સુધી હરાજીનું કામ અટકી ગયું હતું. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને મેનેજરે આવીને દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.
હિંમતનગર તાલુકાના કેટલાક ખેડૂતોનાં કપાસ હલકી ગુણવત્તાનો હોવાનું માનીને તેને રીજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. આ જ સમયે હોબાળો રહ્યો હતો ત્યારે જીનના કમ્પાઉન્ડમાં મહારાષ્ટ્રની ત્રણ ટ્રક કપાસ ભરીને ઉભી હતી.
જેને જોયા બાદ ખેડૂતો વિફર્યા હતા અને કપાસ ખરીદતા અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો. જેને લઈને એક કલાક સુધી કામગીરી અટકી પડી હતી. ત્યારબાદ જીનના મેનેજર શૈલેષ પટેલે તરત જ હિંમતનગર એ.ડીવીઝન પોલીસને જાણ કરી બોલાવી લીધી હતી. અને પોલીસ તથા મેનેજરે ખેડૂતો સાથે વાટાઘાટો કરી મામલો થાળે પાડ્યો હતો. આખરે એક કલાક પછી ખરીદીનું કામ શરૂ થયું હતું.