હિંમતનગર,તા.૩
હિંમતનગરના પ્રકાશભાઈ અમરતભાઈ વાઘેલા નામના એક રહીશના મોબાઈલ પર એક અજાણી વ્યકિતએ ફોન કરીને બેન્કમાંથી બોલું છું તેમ કહી તેમના એટીએમનો કાર્ડ નંબર તથા ગુપ્ત પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ આ અજાણ્યા શખ્સે ગત તા.૧પ-૧૦-ર૦૧૭થી રપ-૧૦-૧૭ દરમ્યાન પ્રકાશભાઈના ખાતામાંથી રૂા.૯૪૯૯૩ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. જે અંગે ર૪-૧૦-૧૭ના રોજ પ્રકાશભાઈને ખબર પડતા તેમણે હિંમતનગર બિ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આ અંગેની તપાસ સાબરકાંઠા એસઓજીને સોંપવામાં આવી હતી. જેમાં એસઓજીના ઈન્ચાર્જ પી.આઈ.એસ.એન. પરમારે જુદા જુદા ગેટ-વે મારફતે રૂપિયા ૮૪ હજારથી વધુની રકમ ટ્રાન્સફર કરી હોવાની માહિતી મેળવી આ નાણાં એમપેસા મારફતે સુરતના વરાછા વિસ્તારના વીજગ્રાહકોના બીલ ભરવામાં વપરાયા હોવાનું ફલિત થયું હતું. જે આધારે એસઓજીએ સુરતના ધર્મનગર એકે રોડ વરાછામાં રહેતા નરેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ અમીપરા, નીતિનભાઈ લીંબાભાઈ ખેની (રહે. સ્વપ્ન વિલા, કામરેજ, તા.સુરત) અને મુકેશભાઈ મંજીભાઈ સવાણી, (રહે.પૂર્વી સોસાયટી, હીરાબાગ, વરાછા રોડ, સુરત)ની અટકાયત કરી તેમની પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ઓનલાઈનથી છેતરપિંડી કરી ઉપાડી લીધેલા નાણાં વીજગ્રાહકોના નામે તેમના બિલ પેટે ભરી દેવામાં આવતા હતા. જો કે ગ્રાહકો પાસેથી લીધેલા નાણાં તેઓ કમિશન કાપી લઈને બાકીની રકમ ઝારખંડના જામતારામાં રહેતા રણજીત મંડલ અને ટીન્કુ મંડલને બેન્કના ખાતામાં મારફતે મોકલી આપતા હતા. જેમાં તેમને કમીશન મળતું હતું. જેથી એસઓજીની ટીમે જામતારા જઈને સ્થાનિક પોલીસની મદદ લઈ ટીન્કુ મંડલને ઝડપી લીધો હતો. જો કે રણજીત મંડલ પકડાયો ન હતો. પોલીસે ટીન્કુ મંડલ તથા સુરતમાં ત્રણે શખ્સોને શુક્રવારે હિંમતનગર લાવી વધુ પૂછપરછ કરવા માટે શનિવારે હિંમતનગરની કોર્ટમાં રજૂ કરતા ન્યાયધીશે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.