હિંમતનગર,તા.૧૭
કોરોના વાયરસને પગલે ગુજરાતનું વહીવટીતંત્ર ખૂબ જ સભાન બનીને લોકોમાં જાગૃતિ આવે તે આશયથી જાહેરનામાં પ્રસિદ્ધ કરીને પગલાં લેવાનું શરૂ કર્યું છે. ત્યારે સોમવારે સાબરકાંઠાના ક્લેક્ટરે તાત્કાલિક જાહેરનામું જારી કરીને જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી દંડ વસુલવાનું ફરમાન કર્યું છે. જેના પગલે સોમવારે અને મંગળવારે હિંમતનગર નગરપાલિકાએ લભગભગ ૧પ લોકો પાસેથી રૂા.પ૦ લેખે દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરતાં અન્ય લોકો આવી હરકતો કરતા વિચાર કરી રહ્યા છે.
સોમવારે શહેરમાં આવેલા એક સ્થળે જાહેરમાં થુંકવા બદલ એક વ્યક્તિ પાસેથી પ્રથમ ભૂલ બદલ સ્થળ પર નગરપાલિકાના કર્મચારીઓએ રૂા.પ૦નો દંડ વસુલ કરીને તેની પાવતી આપી દીધી હતી. દરમિયાન નગરપાલિકાએ જાહેરનામાનો કડક અમલ થાય તે માટે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવા માટે નક્કી કર્યું છે. જે મુજબ મંગળવારે નગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ફરજના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોનો રાઉન્ડ લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં મંગળવારે એક જ દિવસે શહેરમાં જાહેર સ્થળો પર થુંકતા ૧૪ જણાને જાહેરનામાના ભંગ બદલ રૂા.પ૦ લેખે રૂા.૭૦૦નો દંડ વસુલવામાં આવ્યો હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.