હિંમતનગર, તા.ર૧
સાબરકાંઠા જિલ્લામાં તંત્ર દ્વારા શુક્રવારે રાતથી ૧૪૪ની કલમ લાગુ કરી દેવાઈ છે જેની અસરો શનિવારે જોવા મળી હતી. દરમ્યાન રવિવારે જનતા કર્ફ્યુ હોવાને કારણે એસ.ટી. નિગમની તમામ બસોની સેવા રોકી દેવાશે હિંમતનગર નગરપાલિકાએ પણ શનિવારે નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સિટી બસ સેવા પણ બંધ રહેશે. પોલીસ તંત્રએ પણ જનતા કર્ફ્યુ માટે લોકોને સહયોગ આપવા જણાવ્યું છે.
કોરોના વાયરસને પગલે આ રોગ વધુ ન ફેલાય તે માટે ગુજરાતના મુખ્યમંત્રીએ ખાસ આદેશો કરીને પ્રજાને સાવધ રહેવા તથા રવિવારના જનતા કર્ફ્યુ દરમ્યાન ઘરે રહેવા તાકીદ કરી છે જેને લઈને સાબરકાંઠા જિલ્લાના ૮ તાલુકાઓમાં આવેલા જનસેવા કેન્દ્રો શનિવારથી આગામી તા.૩૧ માર્ચ સુધી બંધ રાખવાના આવેશ કરાયા છે. સાવચેતીના પગલારૂપે જિલ્લા કલેક્ટરે કલમ ૧૪૪ લાગુ કરીને ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસતંત્ર સહિત અન્ય સંલગ્ન વિભાગોએ પણ કોરોના વાયરસ અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવાના પ્રયાસો પણ એડીચોટીનું જોર લગાવીને પ્રયાસ કરાઈ રહ્યા છે.
ગુજરાતમાં પરિસ્થિતિ વધુ વણશે નહીં તે આશયથી ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમની તમામ બસો રવિવારે જનતા કર્ફ્યુ લઈને બંધ રહેશે જેના માટે તમામ વિભાગીય કચેરીઓને જાણ કરી દેવામાં આવી છે. બીજી તરફ હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં રોડની સાઈડમાં અથવા તો અન્ય સ્થળે ઊભી રહેતી ખાણી-પીણીની લારીઓને પણ શનિવારથી બંધ કરાઈ દેવામાં આવી છે. પોલીસતંત્રએ પણ લોકોમાં જાગૃતિ આવે તે માટે અપીલ કરી છે. હિંમતનગર પાલિકા દ્વારા માસ્કનું વિતરણ કરવાનું આયોજન કરી દેવાયું છે.
હિંમતનગરના અલ્તાફ હુસેન મલેશિયાથી આવ્યા હોવાથી તેમનું સ્ક્રીનિંગ કરાયું હતું અને તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી અન્ય લોકોના સંપર્કમાં ન આવવા તાકીદ કરાઈ છે. તથા જિલ્લાવાસીઓને વિદેશથી અથવા ગુજરાત સિવાયના અન્ય પ્રાંતમાંથી કોઈ આવે તો તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક તપાસ કરાવવા માટે અનુરોધ કરાયો છે. આ લખાય ત્યાં શનિવારે સાંજે પ વાગ્યા સુધી હિંમતનગરની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોઈ શંકાસ્પદ દર્દીને લવાયા નથી. સિવિલ સર્જન ડૉ.એન.એમ.ગાંધીના જણાવાયા મુજબ તા.૩૧ જાન્યુઆરી ર૦ર૦થી તા.ર૧ માર્ચ સુધીમાં જિલ્લામાં કોરોના વાયરસના ૧૩ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના જણાવાયા મુજબ તા.૧ માર્ચથી ર૦ માર્ચ દરમ્યાન વિદેશથી સાબરકાંઠામાં આવેલા પ્રવાસીઓને ફરજિયાતપણે ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈન (ઘરમાં) રહેવા આદેશ કરાયા છે અને જો તેનું પાલન નહીં થાય તો તેવી વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.