હિંમતનગર,તા.ર૭
મંગળવારે રાત્રે શહેરના ગાંધી રોડ પર આવેલ એક જ્વેલર્સના તથા કાપડના શોરૂમમાં અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને અંદાજે રૂા.૧૦.૪૯ લાખની મતાની ચોરી કરી ભાગી ગયા હતા. ઉપરાંત આ શખ્સોએ આજ વિસ્તારમાં આવેલ અન્ય એક કાપડની દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેની ફરિયાદ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધી રોડ પર આવેલ પાયલ જ્વેલર્સમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ પાછળની દિવાલમાં આવેલ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશીને તેમણે સૌપ્રથમ જ્વેલર્સના શોરૂમમાં રાખાયેલ સીસીટીવી કેમેરાને અવળી દિશામાં ફેરવી નાખ્યા હતા. ત્યારબાદ આ શખ્સોએ સોનાચાંદીના દાગીના તથા રૂા.ર.રપ લાખ રોકડ મળી અંદાજે રૂા.૧૦.૪૯ લાખની ચોરી કરીને જ્વેલર્સના શોરૂમના ધાબે જઈને આજુબાજુમાં આવેલ કાપડના સંસ્કૃતિ અને મીઠાલાલ પેલેસમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ્યા હતા. જ્યાંથી સંસ્કૃતિ નામના કાપડના શોરૂમના ટેબલના ડ્રોઅરમાંથી રૂા.૩૦૦૦ હજાર રોકડ ચોરી ગયા હતા. જો કે આ અજાણ્યા શખ્સોને મીઠાલાલ પેલેસમાંથી કશુ હાથ લાગ્યું ન હતું.
બીજી તરફ શહેરના ભરચક ગણાતા ગાંધીરોડ પર ચોરી થતા બજારમાં જુદી-જુદી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. દરમિયાન પાયલ જ્વેલર્સના માલિક રામેશ્વરલાલ શંકરલાલ મેલાણા (મહેશ્વરી)એ રૂા.૧૦.૪૯ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ મોડેથી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આ પડકારરૂપ ચોરીનો ભેદ ઉકેલવા આખો દિવસ મથામણ કરીને કેટલાક સુરાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.