હિંમતનગર, તા.૨૪
સરહદોની રક્ષા દેશના વીર જવાનો જ્યારે પોતાના પ્રાણની આહુતી આપતા જરા પણ ખચકાતા નથી ત્યારે આ વીર શહિદોને તથા તેમના પરિવારને સન્માનવાનું સ્તુત્ય પગલુ સૈન્યના ૧૧૬ મિડીયમ રેજીમેન્ટ દ્વારા મંગળવારે હિંમતનગરની ગ્રોમોર સંકુલમાં ખૂબ જ સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેજીમેન્ટના કમાન્ડીગ ઓફિસરને પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારોનું વિશિષ્ટ રીતે સન્માન કરાયા બાદ એવોર્ડ આપી નાણાંકિય સહાય કરવામાં આવી હતી.
ગ્રોમોર વિદ્યાસંકુલ ખાતે યોજાયેલ આ સૈન્યને ઓળખો કાર્યક્રમમાં ઉદબોધન કરતા ૧૧૬ મિડીયમ રેજીમેન્ટના કમાન્ડીંગ પુનીત ચટ્ટ અને કર્નલ હિમાશું મિત્રાએ જવનોની કામગીરીને બિરદાવીને તેઓ કેવી રીતે દેશસેવા કરી રહ્યા છે. તે અંગે સચોટ ચિતાર રજુ કર્યો હતો. આ પ્રસંગે મિડીયમ રેજીમેન્ટના ઓફિસરો દ્વારા કારગીલ યુદ્ધમાં વિકલાંગ બનેલા બચુભાઈ બરંડાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સૈન્યના અધિકારીઓએ સાબરકાંઠા જિલ્લાના યુવાનોને સૈન્યમાં જોડાવા માટે પ્રેરણા આપી તાલીમ માટેની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઠ પૂર્વ સૈનિકોને આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના પ્રયાસ કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન નારી રત્ન શહિદની માતાને યાદ કરીને ખાસ હાજર રાખી સન્માનીત કરાયા હતા. કાર્યક્રમમાં ભાગ લેવા માટે સાબરકાંઠાની વિવિધ શાળાો અને મહાશાળાઓના મળી અંદાજે ૭૦૦ થી વધુ યુવાઘને હાજરી આપવા આવી પહોચ્યા હતા. આ પ્રસંગે વહીવટી તંત્રના વિવિધ ભાગોના વડાઓ સૈનિકોના પ્રશ્નો અંગે હકારાત્મક પ્રતિભાવ આપીને તેમની મુશ્કેલીઓ દુર કરવા માટે સહયોગ આપવાની કટિબદ્ધતા દર્શાવી હતી.