(સંવાદદાતા દ્વારા)

હિંમતનગર, તા.૧૯

હિંમતનગર શહેરના વિવિધ બજારોમાં આવેલા રસ્તાઓ જ્યાં દિવસમાં મોટાભાગે બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડે છે એવા ગાંધી રોડ-ખાડિયા ચાર રસ્તા-દેસાઈ, વાડા-હાજીપુરા વિસ્તાર-ત્રિકોણીય ઓટલા જેવા બજાર વિસ્તારમાં આવેલા મોટાભાગના ડામર રોડ તૂટી ગયેલા જોવા મળે છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા એજન્સીઓ દ્વારા કરવામાં આવતા કામો એક ચોમાસું પૂર્ણ થતાં તૂટી ગયેલી હાલતમાં જોવા મળે છે આ બાબતે કેટલાક વેપારીઓએ નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલમાં ચોમાસુ ચાલતુ હોય નવીન રોડ બનાવવા તો શક્ય નથી. પણ જે જગ્યાએ બજાર વિસ્તારોમાં જે રોડ પર મોટા-મોટા ખાડા પડી ગયેલા છે તે ડામર રોડ પર મટીરિયલ નાખી યોગ્ય રીતે સમારકામ કરવામાં આવતું નથી જેને લઈ બજાર વિસ્તારમાં વાહનચાલકો પરેશાનીનો સામનો કરી રહી છે માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા સત્વરે બજાર વિસ્તારમાં જે ડામર રોડ તૂટી ગયેલા છે તે તમામ ડામર રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવું હિંમતનગર શહેરના વેપારી મિત્રોની માંગ છે.