હિંમતનગર, તા.૬
હિંમતનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા બાતમીને આધારે એક ગાયનેક તબીબની હોસ્પિટલમાં દરોડો પાડીને તેમનું સોનોગ્રાફી મશીન સીલ કરી દીધું હતું.
આ અંગે જિલ્લા કલેક્ટર પી. સ્વરૂપ અને આરોગ્ય અધિકારી ડો.ફેન્સીના જણાવ્યા મુજબ હિંમતનગરના સિવિલ સર્કલ નજીક બસ સ્ટેન્ડ રોડ પર આવેલ મમતા હોસ્પિટલના ગાયનેક તબીબ ડો.અશ્વિન નાયક નિયમ વિરૂદ્ધ ગર્ભવતી મહિલાને લિંગ પરિક્ષણ કરી આપે છે તેવી બાતમી મળી હતી. જે આધારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સીએ નિયમ મુજબ બે સરકારી પંચો તથા પોલીસને સાથે રાખી મંગળવારે સાંજના સુમારે ડો. અશ્વિન નાયકની હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી.
જ્યાં તપાસનીશ અધિકારીઓએ લિંગ પરિક્ષણ કર્યું હોવાની ઓડિયો અને વીડિયો ક્લિપ જણાઈ આવતા તે કબજે લીધી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર સહિત જિલ્લામાં આવેલી અન્ય ગાયનેક હોસ્પિટલોમાં લિંગ પરિક્ષણની પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલતી હોવા છતાં કોણ જાણે કેમ કાયદાનો અમલ કરાવનાર તંત્રના અધિકારીઓ કશું કરતા નથી તેવી છાપ પ્રજામાં ઉપસી છે ત્યારે આ અંગે સંલગ્ન વિભાગોએ કડક કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે.
દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ દરોડાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ૪૮ કલાકમાં આ ગાયનેક તબીબ વિરૂદ્ધ કલમ ૪.૩, પ અને ૬ મુજબ કાર્યવાહી કરાશે. કલમ ૪.૩માં જણાવાયા મુજબ હોસ્પિટલના તબીબે સોનોગ્રાફી મશીનનો રેકોર્ડ નિભાવ્યો છે કે નહીં તેની તપાસ કરાશે તથા કલમ પ મુજબ લિંગ પરિક્ષણ કરવા માટે મંજુરી લેવાઈ છે કે નહીં તેની પણ તપાસ કરાશે. જ્યારે કલમ ૬માં આવું પરિક્ષણ કરી શકાય નહીં તેવી જોગવાઈ હોવા છતાં ગાયનેક તબીબે કરેલા લિંગ પરિક્ષણ અંગે કાયદાનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કલમોનો ભંગ કરનાર વિરૂદ્ધ સોનોગ્રાફીનું લાયસન્સ રદ કરીને જરૂર પડે ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ પણ છે. જેથી હવે જોવાનું એ રહે છે કે લિંગ પરિક્ષણ કરનાર આ તબીબ વિરૂદ્ધ વહીવટી તંત્ર કેવી કાર્યવાહી કરે છે ?