(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર, તા.પ
સાબરકાંઠા જિલ્લાના તાલુકા અને જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. હિંમતનગરની જૈનાચાર્ય સ્કૂલ ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની અધ્યક્ષતામાં શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. ચેરમેન અસિત વોરાએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતુ કે, શિક્ષક માત્ર શિક્ષણ જ નથી આપતો પરંતુ સુસંસ્કૃત સમાજના નિર્માણનુ ભગિરથ કાર્ય પણ શિક્ષક કરે છે. માનવ જીવન ઉત્કર્ષ શિક્ષકને આભારી છે. માતા બાળકને જન્મ આપવાનું કામ કરે છે પણ તેનું ઘડતર તો શિક્ષકને આભારી હોય છે. આ પ્રસંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ડારેક્ટર રાજુભાઇ ઐયર, નિવાસી અધિક કલેક્ટર એચ.એલ. મોદી, પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઇ ચૌધરી તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંપૂર્ણ કોરોનાની ગાઇડલાઇન અને સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કાર્યક્રમ યોજાયો હતો.