હિંમતનગર, તા.૧૩
સાબરકાંઠાના સાસંદ, ધારાસભ્યો અને રેલવેના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ત્રણ અદ્યતન રેલવે સ્ટેશનોનું હિંમતનગરમાં લોકાર્પણ કરાયું હતું. અમદાવાદથી હિંમતનગર વચ્ચે આવતા મોટાભાગના રેલવે સ્ટેશનોને વાઈફાઈની સુવિધાથી સજ્જ કરાયા છે. પરંતુ હવે ટ્રેનસેવા ક્યારથી શરૂ થાય છે. તે અંગે રેલવેના અધિકારીઓ પાસે જાણકારી નથી. તેમના કહેવા મુજબ કેન્દ્રીય રેલ વિભાગની મંજૂરી આવી ગયા બાદ તરત જ ટ્રેનસેવા શરૂ કરાશે.સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ગજેન્દ્રસિંહ રાઠોડ તથા હિતુ કનોડિયાની ઉપસ્થિતિમાં શુક્રવારે હિંમતનગર રેલવે સ્ટેશન પર લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રેલવેના ડિવિજનલ મેનેજર દિપક મિશ્રા તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાયેલી જાહેરાત મુજબ હિંમતનગરથી અમદાવાદ વચ્ચે આવતા તલોદ, સોનાસણ તથા હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની સગવડ માટે વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.નવી લાઈન પર ટ્રેનસેવા કયારે શરૂ થશે તે અંગે ડિવિજનલ મેનેજરે જણાવ્યું હતું કે, કેન્દ્રના રેલવે મંત્રીની પરવાનગી મળ્યા બાદ તરત જ ટ્રેનસેવા શરૂ કરવા અમે કટિબદ્ધ છીએ.
કેટલી ટ્રેન દોડશે
હિંમતનગર-અમદાવાદ વચ્ચે ટ્રેનસેવા કાર્યરત થશે ત્યારે બે ટ્રેન દોડશે જેમાં હિંમતનગરથી ૬ વાગ્યે ઉપડનારી ટ્રેન ૮ વાગ્યે અસારવા રેલવે સ્ટેશને પહોંચશે. જે ૧૧ વાગ્યે અમદાવાદથી ઉપડીને ૧ વાગ્યે હિંમતનગર આવશે. ત્યારબાદ આ જ ટ્રેન હિંમતનગર સાંજે ૪ઃ૩૦ કલાકે ઉપડી અમદાવાદ જશે જેથી મુંબઈ જતા મુસાફરોને ફાયદો થશે.
હિંમતનગર, તલોદ અને સોનાસણ રેલવે સ્ટેશનનું લોકાર્પણ : ટ્રેનસેવા શરૂ થતાં સમય લાગશે

Recent Comments