હિંમતનગર, તા.પ
હિંમતનગરની પ્રતિષ્ઠિત ગણાતી નાગરિક બેંકની ચૂંટણીઓ માટે પ્રથમ દિવસ મંગળવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને ટેકેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સામાન્ય વિભાગ માટે ૧૧ ઉમેદવારોએ, મહિલા અનામત ઉમેદવારો માટે બે તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિની અનામત બેઠક માટે બે ઉમેદવારો મળી કુલ ૧૫ ઉમેદવારોએ ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવી છે. અત્યાર સુધીમાં ફોર્મ વિતરણની કામગીરી દરમિયાન સામાન્ય વિભાગમાં ૩૪ ઉમેદવારો, અનુસૂચિત જાતિ-જનજાતિની અનામત બેઠક માટે ૧૩ ઉમેદવારો, જયારે મહિલા અનામત બેઠક માટે સાત ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લઇ ગયા છે. આગામી તા.૭મી જાન્યુઆરી સુધીમાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ફોર્મ ભરવાના છે ત્યારે હાલમાં તો નાગરિક બેંકની ચૂંટણીના પગલે રાજકીય ગરમાવો આવ્યો છે. નાગરિક બેંકની ચૂંટણી માટે આગામી તા.૧૭મી જાન્યુઆરીના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસ એટલે કે મંગળવારે ઉમેદવારો અને ટેકેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.