હિંમતનગર, તા.૮
પ્રાંતિજ તાલુકાના ચંચળબાનગર પાસેના પોગલુ પાટીયા નજીકથી ૮ કિ.ગ્રા.થી વધુની ચરસના જથ્થાની હેરાફેરીમાં એસઓજીની ટીમે મૂળ હરિયાણાના એક શખ્સને દબોચી લઇ રૂા. ૧૨.૧૮ લાખથી વધુનો ચરસનો જથ્થો જબ્બે કર્યો હતો. ત્યારબાદ ચરસના પ્રકરણમાં સાબરકાંઠા એલસીબીએ હરિયાણાના વધુ બે શખ્સોની ધરપકડ કરી બંનેના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ રીપોર્ટ નેગેટિવ આવતા કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માગતા તા.૯ જૂન સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ પોલીસે મેળવી સમગ્ર પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લા એલસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર અઢી માસ અગાઉ ચંચળબાનગર પાસેના પોગલુ પાટીયા નજીકથી એસઓજીની ટીમે ૮ કિલો ૧૨૫ ગ્રામ રૂા.૧૨.૧૮ લાખથી વધુની કિંમતના ચરસના જથ્થા સાથે નવરંગ મિસ્ત્રીને દબોચી લઇ રીમાન્ડ પર લીધો હતો. ત્યારબાદ રીમાન્ડ દરમિયાન પુછતાછ કરતા હરિયાણાના શખ્સોએ ચરસનો જથ્થો આપ્યો હોવાની કબૂલાત કરતા એલસીબીએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ ગુનામાં સંડોવાયેલા અનિલ ઝાંગડા અને નવીન ધનખડ બંને શખ્સોને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માગણી કરી હતી. અને બંને શખ્સોની વધુ તપાસ હાથ ધરી છે.