હિંમતનગર, તા.૬
હિંમતનગરની મુખ્ય પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા એક કલાર્ક કોરોનાની ઝપેટમાં આવી જતા નિયમ મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ૧૫ કર્મચારીઓને કોરોન્ટાઇનમાં જતા રહેવા આદેશ કર્યો છે.
હિંમતનગરની મુખ્ય પોસ્ટ ઓફીસમાં જિલ્લાની સબ પોસ્ટ ઓફીસોની કામગીરી ઉપરાંત પોસ્ટના ગ્રાહકોની કામગીરી થતી હોવાને લીધે આખો દિવસ લોકોની અવરજવર વધુ રહે તે સ્વાભાવિક છે. દરમિયાન થોડાક દિવસ અગાઉ પોસ્ટ ઓફીસમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કલાર્ક કક્ષાના એક કર્મચારી બિમારીમાં સપડાયા હતા. ત્યારબાદ તેમને સારવારની જરૂર પડતા તેમના કેટલાક ટેસ્ટ કરાવાયા બાદ તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના લક્ષણો જણાયા હતા. ત્યારબાદ પોસ્ટના આ કર્મચારીને સારવાર માટે ખસેડાયા છે.
બીજી તરફ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગાઇડ લાઇન્સ મુજબ કોરોનાની ઝપેટમાં આવેલા નાગરિકના પરિવારને અગમચેતીના તથા સાવચેતીના પગલારૂપે કોરોન્ટાઇન કરવાના હોય છે. જેથી પોસ્ટના આ કર્મચારીના પરિવારને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત મુખ્ય પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા ૧૫ જેટલા કર્મચારીઓને પણ કોરોન્ટાઇનમાં મોકલી દેવાયા છે. જ્યારે તબીબી ટીમની મહેનતના કારણે જિલ્લાના વધુ ૧૦ દર્દીઓ કોરોનાને માત આપી ઘરે જવા રજા અપાઇ હતી. જેમાં હિંમતનગરના પોલો ગ્રાઉન્ડના ૫૫ વર્ષિય ફરીદાબેન આખુનજી, ઇડરના ચિત્રોડા ૫૧ વર્ષિય રફીકભાઇ મનસુરી અને ૬૦ વર્ષિય લાલસિંગ રાઠોડ, પ્રાંતિજના ૫૧ વર્ષિય અનંતકુમાર ચૌહાણ અને ૭૮ વર્ષિય સાદુલ્લા અબ્દુલરહેમાન તેમજ વડાલીના ૪૬ વર્ષિય બોદર સુરેશભાઇને જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ હિંમતનગર ખાતેથી જ્યારે હિંમતનગરના ૫૬ વર્ષિય દિપક જાની તેમજ ૪૦ વર્ષિય ફાલ્ગુનીબેન પ્રજાપતિને મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર ખાતેથી કોરોનાને માત આપતા ઘરે જવા રજા અપાઇ હતી.