હિંમતનગર,તા.ર૬
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે રાતથી વાતાવરણમાં આવેલા પલ્ટાને લીધે આકાશ વાદળછાયું બની ગયું હતું. બપોર સુધીમાં વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સુમારે એકાએક ઉત્તર દિશામાંથી જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાનું શરૂ થઈ ગયું હતું. જેના લીધે જિલ્લામાં આકાશ ધૂંધળુ બની ગયું હતું ત્યારબાદ તરત જ જોરદાર પવન સાથે વરસાદના છાંટા શરૂ થઈ ગયા હતા અને તરત જ હિંમતનગરમાં અનેક ઠેકાણે કલાકો સુધી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. વરસાદને લીધે હિંમતનગર તથા આસપાસના ગામડાઓમાં રોડ ભીના થઈ ગયા હતા.
જિલ્લામાં પડેલ કમોસમી પડેલા વરસાદને કારણે અંદાજે ૧પ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં વાવેતર કરાયેલ ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે. મંગળવારે સાંજના સુમારે પડેલો વરસાદ ઈડર, પ્રાંતિજ, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના સહિતના અન્ય વિસ્તારોમાં ચાલુ રહ્યો હોવાને કારણે કાચા મકાનના છાપરા ઉડી જવા પામ્યા હતા. જો કે વરસાદ અને વાવાઝોડાને લીધે જિલ્લામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું ડિઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે.
જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લીધે હિંમતનગરમાં અનેક ઠેકાણે મંડપો પવનના લીધે ફંગોળાઈ ગયા હતા. જેના લીધે લોકોના શુભ પ્રસંગોમાં વિક્ષેપ સર્જાયો હતો. જિલ્લામાં કમોસમી વરસાદ કરતા વાવાઝોડાને લીધે વધુ નુકસાન થવા પામ્યું છે. જો કે સાંજે ૬ઃ૩૦ વાગ્યાના સુમારે વાવાઝોડું અને વરસાદ બંધ થઈ ગયો હોવા છતા આકાશ વાદળોથી ગોરંભાયેલું રહ્યું હતું. જેના લીધે કદાચ વાતાવરણ રાત્રે અથવા તો બુધવારે તેની રૂખ બદલે તો નવાઈ નહીં.