હિંમતનગર, તા.૧૨
હિંમતનગર તાલુકાના નિકોડા-હાથરોલ ત્રણ રસ્તા પરથી રાયગઢ ક્ષેત્રિય રેન્જ અંતર્ગત ફરજ બજાવતી વન વિભાગની ટીમે મોટી બંગાળી ચંદન ઘોની તસ્કરી કરતા પાંચ શખ્સોને ઝડપી લઇ તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ચંદન ઘોની તસ્કરીના મામલે વન વિભાગની રાયગઢ ક્ષેત્રિય રેન્જના આરએફઓ અનિરૂધ્ધસિંહ.એમ.સિસોદીયાએ એક વાતચીતમાં જણાવ્યુ હતું કે ગુરૂવારે બપોરના દોઢેક વાગ્યાના સુમારે નિકોડા-હાથરોલ ત્રણ રસ્તા નજીક પીપળીયા જંગલની બાજુના ખેતરોમાંથી મોટી બંગાળી ચંદન ઘોની તસ્કરી કરી પાંચ જણા બે બાઇક પર આવ્યા હોવાની ફિલ્ડમાં ફરતા અને હાથરોલના બીટગાર્ડ કુમારી કે.કે.પટેલ અને ગાંભોઇના રોજમદાર અશોકસિંહ રહેવરને જાણ થઇ હતી. ત્યારબાદ તેમણે આ ઘટનાની ગાંભોઇના રાઉન્ડ ફોરેસ્ટર એસ.પી.રહેવરને જાણ કર્યા બાદ રાઉન્ડની સમગ્ર ટીમે ત્રણ રસ્તા પર પહોંચી બાઇક પર સવાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા, જયારે બીજા બાઇક પર સવાર અન્ય બે શખ્સો ઘટના સ્થળેથી ભાગી છૂટતા વન વિભાગની ટીમે તેમનો પીછો કરી ઝડપી લીધા હતા.
ત્યારબાદ વન વિભાગની ટીમે ઝડપાયેલા પાંચેય શખ્સો પૈકીના શખ્સ પાસેથી એક કપડાની થેલીમાંથી બે જીવીત અને એક મૃત હાલતમાં ચંદન ઘો કબજે કરી હતી. ઝડપાયેલા પાંચ શખ્સોમાં ત્રણ શખ્સો નિકોડા ગામના અને બે તખતગઢના રહીશ મળી પાંચેય શખ્સો વિરૂધ્ધ વન વિભાગના અધિકારીઓ પાંચેય શખ્સો વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરશે. જેમાં ઝડપાયેલા આરોપીઓ રમેશભાઇ કચરાભાઇ દેવીપુજક (રહે.નિકોડા), મુળચંદભાઇ બાબુભાઇ દેવીપુજક (રહે.નિકોડા), જેણાભાઇ મનુભાઇ દેવીપુજક (રહે.તખતગઢ, તા.પ્રાંતિજ), મનોજકુમાર રમેશભાઇ દેવીપુજક (રહે.તખતગઢ, તા.પ્રાંતિજ), અજયભાઇ રમેશભાઇ દેવીપુજક (રહે.નિકોડા) નો સમાવેશ થાય છે.