હિંમતનગર, તા.૧
છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેના પરિણામ સ્વરૂપે હિંમતનગર અને વિજયનગર પંથકમાં ૮ ઈંચ વરસાદ ખાબક્તા સીમાડાઓ પાણીથી તરબોળ બની ગયા હતા. સોમવારે મોડી રાત્રે ગાજવીજ સાથે આવેલા વાવાઝોડાએ તમામ પાકોનો સોથ વાળી દીધો છે. હિંમતનગર તાલુકામાં વાવાઝોડાના કારણે ૬ર પશુઓનાં અકાળે મોત નિપજ્યા હતા.
ડિઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સોમવારે બપોરે બે વાગ્યાથી મંગળવારે સવારે ૬ વાગ્યા સુધીમાં હિંમતનગરમાં ૧૮૯, વિજયનગરમાં ૧૭૦, ઈડરમાં ૧ર૬, પ્રાંતિજમાં ૧૦ર, ખેડબ્રહ્મામાં ૬૭, વડાલીમાં ૭૦, પોશીનામાં પ૬ જ્યારે તલોદ પંથકમાં પ૧ મીમી વરસાદ પડ્યો હતો. દરમિયાન સોમવારે રાત્રે એક વાગ્યાના સુમારે અચાનક જોરદાર વાવાઝોડું શરૂ થયું હતું.
વરસાદ અને વાવાઝોડાને લીધે જિલ્લાના મોટાભાગના સ્થળે વીજપોલ પડી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. જે મંગળવારે બપોર સુધી કેટલેક ઠેકાણે બંધ રહ્યો હતો. જ્યારે બાકીના વિસ્તારોમાં મંગળવારે સવારે વીજ પુરવઠો યથાવત્‌ થઈ ગયો હતો.વાવાઝોડાની સૌથી વધુ અસરો હિંમતનગર તાલુકામાં થઈ હોવાનું ડિઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી જણાવાયું છે. જે મુજબ હિંમતનગર તાલુકામાં ૧૩૩ કાચા-પાકા મકાનોને નુકસાન થવા પામ્યું છે, તથા ૬રથી વધુ પશુઓનાં વરસાદને કારણે અકાળે મોત થયા છે. સાબરકાંઠાના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે મંગળવારે હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદી અને કેનાલ બે કાંઠે વહેવા લાગી હતી.ભિલોડા તાલુકાના શામળાજી મુકામે તેમજ ભિલોડાના ટોરડા, ચિઠોડા, વિજયનગર જેમાં રાત્રે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શામળાજી મુકામે પાકા રોડ ઉપર પાણી આવી જતાં કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર પાછું ફરવું પડ્યું હતું. જેમાં મેશ્વો ડેમ ઓવરફ્લો થતાં શામળાજી મુકામે ઘોડાપૂર આવ્યું હતું. જેમાં શામળાજી રોડ ઉપરની તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, વાહન વ્યવહાર થંભી ગયો હતો. જેમાં ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. જેથી લોકટોળા જોવા મળ્યા હતા અને ખેતરોમાં ઊભા પાકમાં પાણી ફરી વળતાં મોટા પાયે ઊભા પાકને નુકસાન થયું હતું. જ્યારે બે કલાકની અંદર ૯ ઈંચ વરસાદ પડી જતાં લોકો ભયભીત થઈ ગયા હતા.