(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર, તા.ર૧
ઈડરના ૨૪ વર્ષીય સગર્ભા કોરોના પોઝિટિવ હોવાથી તા.૧૨ મે ૨૦૨૦ના રોજ હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તા.૧૮ મેના રોજ પ્રસુતિની વેદના શરૂ થતાં કુદરતી પ્રસુતિ શક્ય ન હોવાથી મેડિકલ ટીમે સફળતાપૂર્વક ઓપરેશન કરાવી બાળકને જન્મ આપ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડરના ૨૪ વર્ષીય સગર્ભાને ૧૨ મેના રોજ કોવિડ-૧૯ પોઝિટિવ જાહેર થયા હતા. જેઓની સારવાર હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ કોવિડ હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી. ઈડરના મહિલા ગર્ભવતી હોવાથી કોવિડ-૧૯ની ટીમ દ્વારા ખાસ દેખરેખ અને સારસંભાળ રાખવામાં આવી રહી હતી. હિંમતનગર મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મયુર ગાંધી જણાવે છે કે, કોરોના પોઝિટિવ સગર્ભાને પ્રસુતિની વેદના શરૂ થતાં તેમને કુદરતી પ્રસુતિ થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ કુદરતી પ્રસુતિ શક્ય ના બનતા હિંમતનગર મેડિકલ કોલેજની ટીમ દ્વારા ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કોરોના સંક્રમિત સગર્ભા બેને ૨.૮ કિ.ગ્રા. વજનના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.