હિંમતનગર, તા.ર૭
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી તંત્રના દાવા મુજબ કોરોનાના ૮૦ કેસ નોધાયા છે જે પૈકી ૩ દર્દીઓના મોત નિપજ્યા છે. દરમિયાન છેલ્લા બે દિવસથી સાબરકાંઠા જિલ્લામાં અચરજ પમાડે તેવી ઘટના બની રહી છે અને આ બે દિવસમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોધાયો નથી પરંતુ કેટલાક લોકો તંત્રના આ દાવાને શંકાની નજરે જોઈ રહ્યા હોય તેમ મનાઈ રહ્યું છે. હાલ તો હિંમતનગર સિવિલમાં લવાયેલ કોરોના ટેસ્ટનું નવું મશીન બે દિવસથી કાર્યરત થયુ હોવાને કારણે તબિબોને ગાંધીનગરની લેબ પર આધાર રાખવો પડતો નથી. હિંમતનગરની મેડીકલ કોલેજમાં કોરોના સહિતના અન્ય ટેસ્ટ માટે નવા વસાવાયેલા આ મશીન દ્વારા બે દિવસમાં ૨૦૦થી વધુ ટેસ્ટ કરાયા હોવાનું એપેડેમીક ઈન્ચાર્જ ડૉ. ચિરાગભાઈ મોદીનું કહેવું છે. તેમના માનવા મુજબ બે દિવસમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નોધાયો નથી જે સારી બાબત છે. અત્રે યાદ રહે કે કોરોના મુક્ત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તંત્ર દ્વારા જે રીતે કામગીરી કરાઈને દાવા કરાઈ રહ્યા છે પરંતુ જો કોરોનાનો વિકરાળ પંજો વધુ ફેલાશે તો તે સમયે શું થશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.