(એજન્સી) દેહરાદૂન, તા. ૨
એક મુસ્લિમ યુવકને હિંસક ટોળા દ્વારા રહેંસી નાખવાથી બચાવવા બદલ એક રાતમાં સેલિબ્રિટી બની ગયેલા પોલીસ અધિકારી ગગનદીપસિંહને સજા કરવામાં આવી છે. તેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. રામનગરમાં ગત સપ્તાહે ગગનદીપસિંહે એક મુસ્લિમ યુવકને હિંસક ટોળાથી બચાવ્યો હતો. ઉત્તરાખંડમાં ગત સપ્તાહે હીરો બની ગયેલા ગગનદીપસિંહ હવે રાજ્ય સરકારની આંખમાં ખૂંચી રહ્યા છે અને તેઓ હવે વિલન બની ગયા છે. રામનગરના પોલીસ ઇન્સપેક્ટર ગગનદીપસિંહનો હિંસક ટોળાથી એક યુગલને બચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તેઓ પ્રખ્યાત થઇ ગયા હતા. મુસ્લિમ યુવકને બચાવવા બદલ ગગનદીપસિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ ધમકી આપવાનું કારણ તેમણે એક મુસ્લિમ યુવકને બહાદુરીથી બચાવ્યા હતા. બુધવારે તેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા હોવાનું સીનિયર એસએસપી જન્મેજય ખંડુરીએ જણાવ્યું છે. ખંડુરીએ ગગનદીપસિંહની ભારે પ્રશંસા કરી હતી.
ખંડુરીએ એવું પણ જણાવ્યું છે કે ગગનદીપસિંહને કાઉન્સેલિંગની જરૂર છે. ઓચિંતા મળેલી ખ્યાતિ સાથે તેઓ એડજસ્ટ થઇ રહ્યા નથી. ગગનદીપસિંહની પ્રશંસા કરવા બદલ ખંડુરી પર પણ રાજકીય દબાણ થઇ રહ્યું છે. ગગનદીપસિંહથી ભાજપના સ્થાનિક રાજકારણીઓ પણ રોષે ભરાયેલા છે. હિન્દુ છોકરીઓ સાથે મુસ્લિમોનું મંદિરમાં આવવાનું યોગ્ય નથી. ભાજપના ધારાસભ્ય રાકેશ નૈનવલને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ જાણે છે કે આ મંદિર છે અને પવિત્ર સ્થળ છે. ભાજપના અન્ય એક ધારાસભ્ય રાજકુમાર ઠુકરાલને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે આ હિન્દુ સમુદાયના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો એક પ્રયાસ હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે મસ્જિદો હિન્દુઓ માટે નથી, એવું જાણીને હિન્દુઓ મસ્જિદોમાં જતા નથી, તો મુસ્લિમો શા માટે મંદિરે આવે છે.