(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
દિલ્હીમાં જારી કોમી હિંસા વચ્ચે અકાલ તખ્ત જથ્થેદાર જ્ઞાની હરપ્રિત સિંહે દિલ્હીના ગુરૂદ્વારાઓને પીડિતોની સહાય માટે શક્ય તમામ સહાય આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સિંહે દિલ્હીમાં થયેલી હિંસાને વખોડી કાઢી હતી. અને એક અખબારી યાદી જાહેર કરી જણાવ્યું હતું કે, મદદ માટે આવનાર કોઇપણ વ્યક્તિની સહાય કરવી તે શીખ ધર્મનો સિદ્ધાંત છે. દિલ્હીમાં થયેલી હિંસા વખોડવા લાયક છે. દિલ્હીની સ્થિતિ ગંભીર છે માટે તમામ ગુરૂદ્વારાઓએ હિંસા પીડિત લોકોની મદદ માટે વ્યવસ્થા ગોઠવવી જોઇએ, પછી ભલે આ પીડિત હિન્દુ હોય કે મુસ્લિમ ગુરૂદ્વારાઓએ આવા પીડિતોને આશ્રય આપવા સાથે ભોજનની વ્યવસ્થા પણ કરવી જોઇએ. બાળકો અને મહિલાઓની સલામતીની ખાસ તકેદારી રાખવી જોઇએ.