નવી દિલ્હી, તા.૨૬
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ અને ટીકાને પાત્ર છે. જે સમયે દરેક પાર્ટીએ સાથે મળીને દિલ્હીની શાંતિ માટે પગલા ભરવા જોઈએ, તે સમયે કોંગ્રેસ તરફથી સરકાર પર આવા આરોપ લગાવવા ગંદી રાજનીતિ છે. હિંસાનું રાજનીતિકરણ કરવું અયોગ્ય છે. બાલાકોટ એર સ્ટ્રાઇક દરમિયાન પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે, અમિત શાહ ક્યાં હતા. તેમણે ગઈકાલે તમામ પાર્ટીઓ સાથે બેઠક કરી, જેમાં કોંગ્રેસના નેતા પણ હાજર હતી. ગૃહ પ્રધાને પોલીસને જરૂરી સૂચનાઓ આપી અને પોલીસની સંખ્યા પણ વધારી છે. કોંગ્રેસનું નિવેદન પોલીસનું મનોબળ તોડનારૂ છે.
જાવડેકરે કહ્યું કે, બધાનું કામ છે કે હિંસા બંધ થાય અને શાંતિ સ્થાપિત થાય. ચર્ચા માટે સંસદનું સત્ર છે. ચર્ચા કરી શકીએ છીએ. જેના હાથ શીખોના નરસંહારથી રંગાયેલા હોય, તે હવે અહીં હિંસાને રોકવાની સફળતા અને અસફળતાની વાત કરી રહ્યાં છે. તે સમયે હિંસાનું સમર્થન કર્યું હતું. કોંગ્રેસના પીએમે તો ત્યાં સુધી કહ્યું હતું કે, જ્યારે વૃક્ષ પડે છે તો ધરતી હલે છે. આવી પાર્ટી સરકારને જવાબ પૂછવા આવે તો આશ્ચર્ય થાય છે. એક બીજા પર દોષારોપણ કરવાનું જે કામ કોંગ્રેસે કર્યું છે, અમે તેની નિંદા કરીએ છીએ.