(એજન્સી) કોલકાતા, તા.ર૪
વિવાદાસ્પદ ફિલ્મ ‘‘પદ્માવત’’ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, કાયદા અને વ્યવસ્થ્તની સ્થિતિ જળવાવવી જોઈએ. હિંસા આચરી રહેલા સંગઠનો એ ભાજપ સમર્થક છે. જેમાં બજરંગદળ અને અન્ય કટ્ટરવાદી સંગઠનો સામેલ છે. ભાજપે આવી સંસ્થાઓને નિયંત્રિત કરવી જોઈએ. હું શાંતિ માટેની અપીલ કરું છું. ‘‘પદ્માવત’’ ફિલ્મની રજૂઆતના આગલા દિવસે ભારતના અલગ-અલગ શહેરોમાં હિંસા થઈ હતી દરમિયાન બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે જો પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ રજૂ થશે તો તેમને ઘણી ખુશી થશે. કોલકાતા પોલીસે તકેદારીના તમામ પગલાં ભર્યા છે. તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દેવાયા છે. મલ્ટીપ્લેક્ષની અંદર અને બહાર પોલીસ દળને તૈનાત કરાયા છે. સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં પણ સાવચેતીના પગલાં ભરાયા છે. પત્રકારો સાથે વાત કરતાં મમતાએ જણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટે ફિલ્મ રીલીઝ કરવાનો આદેશ આપ્યો છે. આપણે કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ. ફિલ્મનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું છે. સરકારે કોર્ટના આદેશનું પાલન કરાવવું જોઈએ. ગત વર્ષે નવેમ્બરમાં ફિલ્મના વિરોધ સમયે મમતાએ એક જાહેરસભામાં ફિલ્મને ટેકો આપવાનું જણાવ્યું હતું અને સંજય લીલા ભણસાલીને કોલકાતામાં ફિલ્મનું પ્રિમિયર રાખવા આમંત્રણ આપ્યું હતું. કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે, ફિલ્મ મામલે ગુંડાગર્દી જરાપણ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ હિંસા કરશે તો અમે કડક પગલાં લઈશું.