(એજન્સી) તા.૨૫
સ્વયંભૂ હિન્દુત્ત્વાદી નેતા રાગિની તિવારીએ એક વીડિયો અપલોડ કરીને હિંસાના માધ્યમથી ખેડૂતોના આંદોલનનો અંત આણવાની ધમકી આપી હતી જેના પછી દિલ્હી પોલીસે તેની સામે એફઆઈઆર નોંધી લીધી. કટ્ટરપંથી હિન્દુ મહિલા નેતા રાગિની તિવારી વીડિયોમાં કહી રહી છે કે હું મારી તમામ બહેનોને અપીલ કરું છું કે ૧૭ ડિસેમ્બર માટે તૈયાર થઈ જાઓ. તે કહે છે કે જો સરકાર આપણને દિલ્હીમાં ખેડૂત આંદોલનથી મુક્તિ નહીં અપાવે તો રાગિની તિવારી ફરી એકવાર જાફરાબાદને અંજામ આપશે અને જે પણ થશે તેના માટે કેન્દ્ર, રાજ્ય સરકાર અને દિલ્હી પોલીસ જ જવાબદાર ગણાશે. યાદ રહે કે નાગરિકતા સુધારા કાયદા સીએએ વિરુદ્ધ થઇ રહેલા દેખાવો દરમિયાન ચાલુ વર્ષે ૨૨ ફેબ્રુઆરીએ ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદમાં કોમી રમખાણો ભડક્યા હતા જેના એક દિવસ પહેલા ભાજપના નેતા કપિલ મિશ્રાએ પોલીસની હાજરીમાં સમર્થકોને કહ્યું હતું કે જો પોલીસ સીએએ વિરોધી દેખાવકારોને આંદોલન પાછું ખેંચવા માટે મજબૂર નહીં કરે તો તેે તેના સમર્થકો આવું કરશે. રાગિની તિવારી ઉર્ફે જાનકી બહન સામે આઈપીસીની કલમ ૧૫૩ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવીહ તી. આ કલમ રમખાણો ભડકાવવાના ઈરાદે ભડકાઉ નિવેદન આપવા પર લગાવાય છે. પોલીસ આવનારા દિવસોમાં તિવારીને બોલાવશે અને તે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો મામલે તેની ભૂમિકાની પણ તપાસ કરશે. અહેવાલ અનુસાર તિવારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાતા પહેલાં ઉત્તર-પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા કાનૂની અભિપ્રાય માગવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર બે મહિના પૂર્વે દિલ્હીના ગૃહ વિભાગે દિલ્હી પોલીસ સાથે એક વીડિયો શેર કર્યો હતો જેમાં કથિત રૂપે તિવારી દેખાઈ રહી છે. રમખાણો દરમિયાન એક ફેસબુક લાઈવમાં તે ભડકાઉ ભાષણ આપી રહી હતી અને કથિતરૂપે તે ૨૩ ફેબ્રઆરીએ પોલીસ સામે રમખાણકારો સાથે પથ્થરમારામાં પણ સામેલ હતી. એ રિસર્ચ રિપોર્ટમાં જાફરાબાદમાં આપવામાં આવેલા કપિલ મિશ્રાના ભડકાઉ ભાષણ અને ફેસબુક લાઈવમાં અપાયેલા રાગિનીના ભડકાઉ ભાષણનો પણ ઉલ્લેખ કરાયો હતો અને કહેવાયું હતું કે તેના દેખાવાની અસર થઈ અને સોશિયલ મીડિયા પર અફવાઓ અને ખોટી માહિતીઓને ખડકલો સર્જાયો.