(એજન્સી) બૈરૂત, તા.ર૯
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે લેબેનોનના હિઝબુલ્લાહ નેતાએ રવિવારે દાવો કર્યો કે તેના સંગઠને એક વર્ષમાં પોતાની મિસાઈલ ક્ષમતા બેગણી કરી લીધી છે. એટલું જ નહીં આ મિસાઈલોને મેળવવાથી રોકવાનો ઈઝરાયેલના પ્રયાસને પણ તેણે નિષ્ફળ કરી દીધો છે. હસન નસરલ્લાહે બૈરૂતના અરેબિક ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પાસે હવે ઈઝરાયેલમાં કયાંય પણ હુમલો કરવા અને પેલેસ્ટીની ક્ષેત્રોને કબજો કરવાની ક્ષમતા છે. નસરલ્લાહે જણાવ્યું કે અમેરિકન અધિકારીઓ દ્વારા ઈઝરાયેલે પૂર્વ બક્કા ક્ષેત્રમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલાની ધમકી આપી હતી. તેણે જણાવ્યું કે જો ઈઝરાયેલ એવું કર્યું તો હિઝબુલ્લાહ પણ આવા હુમલાઓ પર જવાબી કાર્યવાહી કરશે. હાલના મહિનાઓમાં ઈઝરાયેલે ચિંતા વ્યક્ત કરી છે કે હિઝબુલ્લાહ મિસાઈલ નિર્માણ કેન્દ્ર સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નસરલ્લાહે જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનના કાર્યકાળના અંતિમ કેટલાક અઠવાડિયા મહત્ત્વપૂર્ણ છે અને તે અંગે સતર્કતા રાખવામાં આવી રહી છે. હિઝબુલ્લાહ ઈરાનનું મુખ્ય સહયોગી સંગઠન છે, જેના કારણે ઈઝરાયેલથી તેમની દુશ્મની જગજાહેર છે. ઈઝરાયેલની સાથે તેના કેટલાક સંઘર્ષ પણ થઈ ચૂકયા છે. તેમણે જણાવ્યું કે ઈરાન અને તેના સહયોગી ઈરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીના મૃત્યુનો બદલો ચોક્કસ લેશે. ભલે તેમાં કેટલો પણ સમય કેમ ના લાગે. નસરલ્લાહએ સીરિયામાં હિઝબુલ્લાહના લડાકુના મૃત્યુનો બદલો લેવાની વાત પણ કહી.