(એજન્સી) લખનૌ, તા.૨૨
૨૦૧૯ની લોકસભા ચંૂંટણી પહેલા કોમવાદી ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જદયુના પૂર્વ સાંસદ શરદ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ફેલાયેલા કોમવાદને ફક્ત સામાજિક ન્યાય માટેની લડાઇ રોકી શકે છે. તેમણે કહ્યું હતું કે, સામાજિક ન્યાય માટે આ દેશમાં સૌથી મોટી લડાઇ છે. ભાજપ દ્વારા ફેલાયેલા કોમવાદને ફક્ત આજ રોકી શકે છે. હું સમગ્ર દેશમાં ફરી રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું. આશા છે કે, ૨૦૧૯ પહેલા ભાજપ વિરોધી મહાગઠબંધન આવી જશે. એક વખતના એનડીને કન્વીનર યાદવે જણાવ્યું હતું કે, ભાજપની વિચારધારા કોમવાદી હોવાથી હું તેની વિરૂદ્ધ પાર્ટીઓને એકજૂથ કરી રહ્યો છું. કેન્દ્ર સરકારના એજન્ડા હવે બદલાઇ ગયો છે. હાલની કેન્દ્ર સરકાર ધર્મના નામે લોકોમાં ભાગલા પાડી રહી છે. યાદવે કહ્યું કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફક્ત મંદિરોની મુલાકાત લે છે અને ગેરબંધારણીય નિવેદનો કરતા રહે છે. આ વખતે મને દેશનો પ્રવાસ કરવા અને લોકોને એકજૂથ કરવાનો સમય મળ્યો છે. ગોરખપુર અને ફુલપુરમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ હરાવવા અંગે તેમણે કહ્યું હતું કે લોકોને હવે પોતાની શક્તિ ખબર પડી છે. ઇવીએમના દુરૂપયોગ વિશે પુછતા તેમણે કહ્યું હતું કે, હિટલર પણ લોકોની ઇચ્છાઓને દબાવી ન શકે. ગોરખપુર અને ફુલપુરની ચૂંટણીઓ પણ ઇવીએમ દ્વારા યોજાઇ હતી.