અમદાવાદ,તા. ૧૩
અમદાવાદ શહેરમાં બેફામ અને પૂરપાટઝડપે વાહનો હંકારી હીટ એન્ડ રનના અકસ્માત સર્જવાના કિસ્સાઓ સતત ચાલુ રહેવા પામ્યા છે. આવા જ એક બનાવમાં ગઇકાલે રાત્રે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ જૈન દેરાસર પાસે રોડ ક્રોસ કરી રહેલા એક આધેડ વ્યકિતને પૂરપાટઝડપે આવેલા કારચાલકે પોતાના વાહનની જોરદાર ટક્કર મારી હતી. કારની જબરદસ્ત ટક્કરથી આધેડ વ્યકિત હવામાં ફંગોળાઇ હતી અને જમીન પર પટકાઇ હતી. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થવાના કારણે આખરે સારવાર દરમ્યાન તેનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, આધેડને ટક્કર મારનાર કારચાલક માનવતા નેવે મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો દાખલ કરી સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગઇકાલે રાત્રે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ જૈન દેરાસર રોડ પાસે સુરેશ સોમાજી ઠાકોર નામની ૪૫ વર્ષીય આધેડ વ્યકિત રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટઝડપે આવેલી ઇનોવા કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતા. કારની જોરદાર ટક્કરથી સુરેશ ઠાકોર ફંગોળાયા હતા અને જોરથી જમીન પર પટકાયા હતા, જેનાકારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જયાં આજે વહેલી સવારે તેમનું કરૂણ મોત નીપજયું હતું. મરનાર આધેડ વ્યકિત જોધપુર ગામમાં જ રહેતી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મરનારના ભાઇ રમેશ ઠાકોરે સેટેલાઇટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે હીટ એન્ડ રનનો અકસ્માત સર્જનાર અને ઘટનાસ્થળેથી માનવતા નેવે મૂકી નાસી છૂટનાર ઇનોવા કારના ચાલકની શોધખોળ આરંભી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કારના નંબર અને આરોપીની તપાસ હાથ ધરી છે.