(એજન્સી) તા.૨૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે ભાજપ પર બંગાળી અને બિન બંગાળીઓના વિભાજનનો આરોપ મૂકતાં આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે હું રાજ્યમાં વસતા લોકો માટે કંઇ પણ કરવા તૈયાર છે, પરંતુ ભાજપને બંગાળમાં પ્રવેશ તો નહીં જ કરવા દે. ટીએમસીના હેડક્વાર્ટર પર મુખ્યત્વે હિન્દીભાષી લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભાજપ બંગાળી અને બિન બંગાળીને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેનું હિન્દુ-મુસ્લિમ રાજકારણ પાછળ રહી ગયું છે. જુઓ દિલ્હીમાં શું થઈ રહ્યું છે? પંજાબમાં ખેડૂત આંદોલન શરૂ કરવામાં આવ્યા છે. ભાજપે આખા દેશને બાળી નાખ્યો છે. વધુમાં મમતા બેનરજીએ કહ્યું કે મોદી સરકારે ખેડૂતોને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલાં કોઈએ આવી ધૂરતા બતાવી ન હતી. હું દેશના ખેડૂત સાથે છું. દિલ્હીમાં જે બન્યું તે કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મમતાએ કહ્યું કે અમિત શાહે એકવાર કહ્યું હતું કે તેમની પાસે ૫૦ લાખ વોટ્‌સએપ ગ્રુપ છે. જો તેઓ બનાવટી સમાચાર ફેલાવવા માંગતા હોય, તો તેઓ તેને ગમે ત્યારે વાયરલ કરી શકે છે. મોદી સરકાર સીબીઆઈ, ઇડીનો ઉપયોગ કરીને લોકોને ડરાવી રહી છે, પરંતુ હું ક્યારેય તેમની સામે ઝૂકીશ નહીં. હું મારા બિહાર ભાઈઓને પૂછવા માંગુ છું કે શું તેઓએ ક્યારેય બંગાળમાં કોઈ મુદ્દાનો સામનો કર્યો છે? હું મારા પંજાબી ભાઈઓને પણ એવો જ સવાલ પૂછવા માંગું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં મમતાએ કહ્યું કે જેઓ પોતે ટેલિપ્રોમ્પ્ટર જોઈને બોલે છે, તેઓ અમને શું હિન્દી શીખવશે? અમે માનવતા માટે કામ કરીએ છીએ. અમે અહીં હિન્દી એકેડેમી ખોલી રહ્યા છીએ. છેલ્લે, તેમણે રાજ્યની હિન્દીભાષી જનતાને વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને ટેકો આપવા અપીલ કરી હતી.