(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
દેશમાં હિન્દુઓ જોખમમાં છે તેવો ભ્રમ ભાજપ દ્વારા ફેલાવાઈ રહ્યો હોવાનો સણસણતો આક્ષેપ હાર્દિક પટેલે કર્યો છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટિ્‌વટર ઉપર ટિ્‌વટ કરીને ફરી એકવાર ભાજપ સરકાર અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે. હાર્દિકે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે દેશના મોટાભાગના રાજ્યોમાં હિન્દુ મુખ્યમંત્રી છે. સૌથી વધુ સાંસદો પણ હિન્દુ છે. પ્રધાનમંત્રી પણ હિન્દુ છે તો પછી હિન્દુઓને કોનાથી ખતરો છે ??? જો કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ હિન્દુ છે. ત્યારે આ ભ્રમ ભાજપે પોતાના સ્વાર્થ માટે ફેલાવ્યો છે. કયાં સુધી આ ભ્રમમાં રહેશો, હવે જાગો. વધુ એક ટિ્‌વટ કરીને હાર્દિકે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન વખતે હિંસા થવાને લીધે આનંદી બહેન પટેલનું રાજીનામું લેવામાં આવ્યું હતું. હવે પદ્માવત ફિલ્મને લઈને થઈ રહેલી હિંસાને રોકી ન શકનારા વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવશે. ભક્તો કહેશે કે આનંદીબહેને પોતે જ રાજીનામું આપ્યું હતું. તો હું કહું છું કે અમિત શાહે જબરદસ્તી તેમનું રાજીનામું લીધું હતું. તો અન્ય એક ટિ્‌વટમાં કેટલાક પત્રકારોને આડેહાથ લેતા કહ્યું હતું કે શું કસમ ખાઈ ચૂક્યા છો હિન્દુ-મુસલમાન કરવાની ? દેશમાં કોઈ બીજો મુદ્દો જ બચ્યો નથી ??? કેટલાક પત્રકારો જ દેશમાં નફરતની ભાવના ફેલાવી રહ્યા છે. સાંપ્રદાયિક ડિબેટો દેખાડીને તેઓ નેતાઓ કરતા વધારે તોફાનો કરાવી રહ્યા છે.
તો વધુ એક ટિ્‌વટમાં બંધારણ બચાવવા ઉપર હાર્દિકે જણાવ્યું હતું કે બંધારણ બચશે તો જ તિરંગો ઊંચો રહેશે. મારો દેશ બંધારણથી ચાલે છે.