(એજન્સી) નવી દિલ્હી, તા.૫
હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ વિશ્વ પ્રસિદ્ધ અને પ્રેમના પ્રતિક સમાન તાજમહેલમાં ભગવો લ્હેરાવતા ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધ છતાં કટ્ટરવાદી માનસિકતા ધરાવતાં લોકોએ આ કૃત્ય આચર્યું હતું અને શિવ ચાલીસાના પાઠ પણ કર્યા હતા. સીઆઈએસએફના જવાનોએ ચાર શખ્સોની ધરપકડ કરી પોલીસને તેમની સોંપણી કરી હતી. તેમની વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. હિન્દુ જાગરણ મંચના જિલ્લા પ્રમુખ ગૌરવ ઠાકુર અને અડધો ડઝનથી વધુ કાર્યકરો તાજમહેલ પહોંચ્યા હતા. તેમણે ત્યાં ભગવો ધ્વજ લ્હેરાવી શિવ ચાલીસાના પાઠનું યોજયા હતા. આ ઘટનાની બે વીડિયો પણ વાયરલ થઈ હતી. જેમાં એક વીડિયો ૨૩ સેકન્ડ અને બીજી વીડિયો ૧૪ સેકન્ડની હતી. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, તાજમહેલના પ્રાંગણમાં બેન્ચ પર અને આસપાસ લગભગ અડધો ડઝન યુવકો ઊભા હતા અને તેમણે ઝડપથી ખિસ્સામાંથી ભગવો ધ્વજ કાઢી તેને લ્હેરાવ્યો હતો. વીડિયો બનાવનારા યુવકનો અવાજ પણ સાંભળવામાં આવ્યો હતો. ઉપરાંત ૧૨ સેકન્ડનો વીડિયો તાજમહેલથી લાઈવ કરવામાં આવ્યો હતો. જેમાં કટ્ટરવાદીઓ હર-હર મહાદેવ અને જય શ્રીરામના સૂત્રો પોકરાતાં જોવા મળ્યા હતા. પોલીસ ઈન્સ્પેક્ટર ઉમેશચંદ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તાજગંજ નિવાસી ગૌરવ ઠાકુર, અકોલાના રિષી લવાણિયા, સિકંદરાના રહેવાસી સોનુ બઘેલ અને મુઝફફરનગરના રહેવાસી વિશેષ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ ઠાકુરે દશેરા નિમિત્તે પણ ભગવો ધ્વજ લ્હેરાવ્યો હતો. તેણે આ અગાઉ પણ તાજમહેલ ખાતે ત્રણ-ચાર વખત ભગવો લ્હેરાવાનો દાવો કર્યો હતો. હિન્દુ સંગઠનોનું માનવું છે કે, તાજમહેલ હકીકતમાં શિવ મંદિર તેજોમહાલય છે.