(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ચાલુ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા હજ સબસિડી બંધ કરવાની જાહેરાત કરાયા બાદ એઆઈએમઆઈએમના વડા અસદ્દુદ્દીન ઓવૈસીએ નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરતાં જણાવ્યું હતું કે, હિન્દુ તુષ્ટિકરણની રાજનીતિનો પણ અંત આવવો જોઈએ. મોદી સરકારે હજ સબસિડી બંધ કરવાનું કારણ આપતા જણાવ્યું હતું કે, મુસ્લિમોનું તુષ્ટિકરણ અટકાવી સરકાર તેમને સશક્ત કરવા માંગે છે. હજ સબસિડી બંધ કરવાનું સમર્થન કરતા અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારના બેવડાં ધોરણનો પણ પર્દાફાશ કર્યો હતો. આ અંગે એઆઇએમઆઇના અધ્યક્ષે ભાજપની રાજ્ય સરકારો અને મોદી સરકારને ત્રણ સવાલો કર્યા હતા. ટિ્‌વટની સિરીઝમાં તેમણે પુછ્યું હતું કે, હજ સબસિડીને ભાજપ તથા આરએસએસ તૃષ્ટિકરણ અને મતબેંકનું રાજકારણ ગણાવે છે ત્યારે ભાજપને મારો સીધો સવાલ છે કે, ભાજપ શું બંધારણની કલમ ૨૯૦-એને સમાપ્ત કરવા સંસદમાં બિલ લાવશે, શું ભાજપ યોગી સરકારને કહેશે કે, માનસરોવરના દરેક યાત્રીને અયોધ્યા, કાશી, મથુરા માટે ૧.૫ લાખ રૂપિયા મળીને કુલ ૮૦૦ કરોડની સહાય બંધ કરે, તેમણે એક અન્ય ટિ્‌વટમા એમ પણ પુછ્યું હતું કે, હરિયાણા સરકારે ડેરા સચ્ચા સોદાને શા માટે એક કરોડ રૂપિયા આપ્યા હતા ? શું તે ચૂંટણી તૃષ્ટિકરણ નથી ? શા માટે મોદી સરકારે મહાકુંભ માટે એમપી સરકારને ૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવી અને મધ્યપ્રદેશની સરકારે તે માટે ૩૪૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા શું તે તૃષ્ટિકરણ નથી ?
ઓવૈસીએ જણાવ્યું હતું કે, સરકાર જે કહે છે તે કરીને બતાવવું જોઈએ અને આગામી સામાન્ય બજેટમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિ માટે રૂા.ર૦,૦૦૦ કરોડની ફાળવણી કરવી જોઈએ. તેમણે સરકારને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, મોદી હિન્દુ શ્રદ્ધાળુઓને અપાતી સબસિડી પણ બંધ કરી બતાવે. ઓવૈસીએ જણાવ્યું હતું કે, તેઓ આ નિર્ણયની વિરૂદ્ધ નથી. તેઓ સબસિડી બંધ કરવાના નિર્ણયને આવકારે છે. પણ આ મુદ્દે બેવડી નીતિ હોવી જોઈએ નહીં. ર૦૦૬થી ઓવૈસી સબસિઢી ખતમ કરી તે નાણાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવાની માંગ કરતાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હજ સબસિડી માંડ રૂા.ર૦૦ કરોડની છે. ભાજપ તેને તુષ્ટિકરણ કહે છે. કુંભમેળા વિશે શું ? ર૦૧૪માં જ્યારે આ મેળો યોજાયો હતો ત્યારે સરકારે તેની માટે રૂા.૧૧પ૦ કરોડની ફાળવણી કરી હતી. ઓવૈસીએ મોદી સરકાર પર પ્રહારો કરતાં પૂછ્યું હતું કે, શું ભાજપ સરકાર યોગી સરકારને પૂછશે કે, હજ હાઉસ સહિત તમામને કેસરી રંગ કોણે કર્યો. અયોધ્યા કાશી અને મથુરા જતાં શ્રદ્ધાળુઓ માટે રૂા.આઠસો કરોડ અને માનસરોવર યાત્રાએ જમા દર શ્રદ્ધાળુ દીઠ દોઢ લાખની સહાય શું બંધ કરવામાં આવશે ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હરિયાણા સરકારે ડેરા સચ્ચા સોદાના રામરહીમ સિંહને રૂા. એક કરોડ આપ્યા હતા. શું આ ચૂંટણીલક્ષી તુષ્ટિકરણ નથી. મોદી સરકારે મહાકુંભ માટે મધ્યપ્રદેશ સરકારે રૂા.૧૦૦ કરોડની ગ્રાન્ટ આપી હતી.
ઓવૈસીએ જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકારે ર૦૧૭-૧૮માં દેવસ્થાન ડિપાર્ટમેન્ટને રૂા.૩૮.૯૧ કરોડ ફાળવ્યા હતા. અગાઉની સરકારે મંદિર સમારકામ માટે રૂા.ર૬ કરોડ ફાળવ્યા હતા તથા પૂજારીઓને તાલીમ આપી હતી. શું આ બધું તુષ્ટિકરણ નથી ? ઓવૈસીએ કોંગ્રેસને પણ આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ર૦૧પથી કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને ચાર ધામયાત્રાએ જતાં દરેક શ્રદ્ધાળુને રૂા.ર૦,૦૦૦ આપે છે. કોંગ્રેસ જનોઈધારી રાજકારણ રમે છે શું આનો અંત આવશે ?

હજ સબસિડી સમાપ્ત કર્યા બાદ ભાજપ સરકાર હવે મદ્રેસાઓને અપાતા ભંડોળને પણ સમાપ્ત કરી શકે : સપા

(એજન્સી) લખનઉ, તા. ૧૭
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા રામગોવિંદ ચૌધરીએ ભાજપ સામે મુસ્લિમો પર દમનનો આરોપ લગાવતા કહ્યં હતું કે, સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો ભાજપ દ્વારા સમાપ્ત કરાયેલી સુવિધાઓ ફરી લાગુ કરાશે.તેમણે મંગળવારે હજ સબસિડી સમાપ્ત કરવાની જાહેરાતને ટાંકતા કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી મુસ્લિમોની સમસ્ત સુવિધાઓ છીનવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ભાજપ મુસ્લિમોને હેરાન કરી તેમને પોતાના પક્ષમાં કરવા માગે છે. હજ સબસિડી સમાપ્ત કર્યા બાદ ભાજપ સરકાર હવે મદ્રેસાઓને મળતા ભંડોળને પણ સમાપ્ત કરવાનો નિર્ણય કરી શકે છે. સમાજવાદી પાર્ટી મુસ્લિમોની સાથે છે અને અમારી સરકાર બનશે તો તમામ બંધ કરાયેલી સુવિધાઓ ફરી ચાલુ કરાશે.