(એજન્સી) શિમલા, તા.પ
હિમાચલ પ્રદેશમાં લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયાનું ટેક્સ કૌભાંડ સામે આવ્યું છે. રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યા મુજબ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના પાવટા ક્ષેત્રમાં એક ઔદ્યોગિક એકમના માલિક ડો.રાકેશ શર્માની કંપનીએ વિશેષ ઔદ્યોગિક પેકેજની આડમાં કૌભાંડ રચ્યું હતું.
સરકારી સૂત્રો મુજબ ઈન્ડિયન ટેકનોમેક કંપની લિમિટેડએ વર્ષ ર૦૦૯થી ર૦૧પ વચ્ચે ઉત્પાદનના બનાવટી આંકડાઓના આધારે લગભગ ર૧૦૦ કરોડ રૂપિયાના વેચાણ કર અને એક્સાઈઝ ડ્યુટીની ચોરી કરી હતી જે હવે વધીને ૩૦૦૦ કરોડ રૂપિયા થઈ છે. આ રકમમાં બેંકો પાસેથી મેળવેલ લોન, તેનું વ્યાજ અને આવકવેરાનો પણ સમાવેશ થાય છે. સૂત્રોનું માનવું છે કે કૌભાંડની રકમમાં હજી વધારો થઈ શકે છે.
આ કરચોરીનો મામલો ર૦૧૪માં સામે આવ્યો હતો જ્યારે હિમાચલ પ્રદેશના આવકવેરા વિભાગએ પોતાના સર્વેમાં જાણ્યું કે કંપનીના વાસ્તવિક ઉત્પાદન અને વીજળીના બિલમાં ઘણું અંતર છે. કંપનીના માલિક ડો.રાકેશ શર્મા પર મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. આ કૌભાંડમાં હિમાચલ પ્રદેશ સરકારના અધિકારીઓ અને કર્મચારીઓની મીલિભગતને નકારી શકાય તેમ નથી. હિમાચલના કર વિભાગના મુખ્ય સચિવ જે.સી. શર્માએ આ કૌભાંડની પુષ્ટિ કરી છે. કૌભાંડના મુખ્ય આરોપી ડો.રાકેશ શર્મા છેલ્લા ચાર વર્ષથી ભૂગર્ભમાં છે તેના પર માત્ર ટેક્સ કૌભાંડનો જ નહીં બેંકો પાસેથી લીધેલ નાણાં ન ચૂકવવાનો પણ આરોપ છે.