(એજન્સી) તા.૭
હિમાચલ પ્રદેશ કોંગ્રેસે મંગળવારે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યની ભાજપ સરકાર પંચાયત રાજ સંસ્થાઓની ચૂંટણીમાં કાવાદાવા કરી રહી છે અને જણાવ્યું હતું કે અનામત રોસ્ટરનો સરકાર દ્વારા રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય કોંગ્રેસની રાજકીય બાબતો, ચૂંટણી રણનીતિ સમિતિ અને સંકલન સમિતિની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસના વડા કુલદીપસિંહ રાઠોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ બેઠકમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યના પ્રભારી રાજીવ શુક્લા, પૂર્વ મુખ્ય પ્રધાન વીરભદ્રસિંહ અને વિરોધ પક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી પણ હાજર રહ્યાં હતાં. રાજ્ય કોંગ્રેસના વડા કુલદીપસિંહ રાઠોરે પંચાયતરાજની ચૂંટણીઓ માટે સંગઠનની પ્રવૃત્તિઓ અંગે શુક્લાને વાકેફ કર્યા હતાં અને જણાવ્યું હતું કે પક્ષ સંપૂર્ણપણે સંકલનમાં આ માટે કામ કરી રહ્યો છે કે જેથી આ ચૂંટણીઓમાં કોંગ્રેસના મત વિભાજિત થાય નહીં.
પંચાયત રાજ સંસ્થાઓના અનામત રોસ્ટરનો ભાજપ સરકાર પોતાના રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરી રહી છે તેમ છતાં કોંગ્રેસ પક્ષ લોકતંત્રના આ પર્વમાં રચનાત્મક ભૂમિકા સક્રિય રીતે ભજવી રહ્યો છે. રાજ્ય કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ પંચાયતની ચૂંટણીઓ માટે પક્ષની રણનીતિ બાબતે પૂછપરછ કરી હતી અને જણાવ્યું હતું કે આ ચૂંટણીઓ પક્ષના પ્રતિક પર લડવામાં નહીં આવી રહી હોવા છતાં પક્ષના લોકો પક્ષની વિચારધારા સાથે આગળ આવે અને ચૂંટણી લડીને તેમાં વિજય પ્રાપ્ત કરે તે માટેના પ્રયત્નો હાથ ધરવા જોઇએ.
તેનાથી કોંગ્રેસને તાકાત મળશે એવું જણાવીને તેમણે ઉમેર્યુ હતું કે આ માટે સંકલન અને પારસ્પારીક સર્વાનુમતિની ઘણી આવશ્યકતા છે. શુક્લાએ પક્ષના નેતાઓને રાજ્યમાં ૨૦૨૨ની આગામી વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી કરવા અને આ ચૂંટણીઓ જીતવા માટે સંકલિત પ્રયાસો હાથ ધરવા અપીલ કરી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન વીર ભદ્રસિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષમાં અનુશાસન જાળવવાની આવશ્યકતા છે અને કોંગ્રેસમાં હવે યુવાનોએ આગળ આવવાની જરુર છે. વિરોધ પક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસક ભાજપના પ્રત્યેક અપપ્રચારનો સજ્જડ જવાબ આપી રહી છે.