(એજન્સી) તા.૩૧
ગાઝામાં શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા પેલેસ્ટીની નાગરિકો પર ઇઝરાયેલી સેનાએ ખુલ્લેઆમ ગોળીબાર કરી દીધો અને લગભગ ૧૬ પેલેસ્ટીની નાગરિકોને શહીદ તો કર્યા જ સાથે સાથે ૧પ૦૦થી વધુ પેલેસ્ટીનીઓએ ઘાયલ કરી દીધા હતા. જોકે આ ઘટના ઘટી ગયા બાદ પેલેસ્ટીનના પ્રમુખ મહેમૂદ અબ્બાસે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે તે ઇઝરાયેલી સેનાના હુમલા સામે નિશસ્ત્ર પેલેસ્ટીની નાગરિકોની રક્ષા કરે. રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે ઇઝરાયેલી હુમલામાં આટલી સંખ્યામાં નાગરિકો શહીદ થવા અને ઘાયલ થવા અંગે શનિવારના દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કર્યો હતો. પેલેસ્ટીનના સ્વાસ્થ્ય મંત્રાલય તથા ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યાનુસાર ઇઝરાયેલી સૈનિકોએ પેલેસ્ટીની દેખાવકારો ઉપર લાઇવ એમ્યુનિશન, રબર કોટેડ સ્ટીલ બુલેટ અને ટીયરગેસનો મારો ચલાવ્યો હતો જેના કારણે મોટા પાયે જાનહાનિ થઇ હતી અને દેખાવકારો ઘવાયા હતા. જોકે આટલી સંખ્યામાં પોતાના સાથીઓને ગુમાવવા છતાં દેખાવકારોએ ઇઝરાયેલીઓના દમન સામે જરાય નમતું જોખ્યું ન હતું. એક ૧૮ વર્ષીય અબુ અસેરે કહ્યું કે અમારી પાસે હારવા માટે કંઇ જ નથી. અમે પહેલેથી જ તળીયે આવી ગયા છીએ. અમને એક સારા જીવનધોરણની જરુર છે. નોંધનીય છે કે ગાઝામાં આયોજિત દેખાવોને ગાઝાનું સંચાલન કરતી હમાસનો ભરપૂર ટેકો મળ્યો હતો અને તેમાં મોટાપાયે પેલેસ્ટીની નાગરિકો હાજર રહ્યાં હતાં. આ એક વાર્ષિક આયોજન હતું જે ૧૯૭૬માં ઇઝરાયેલ દ્વારા છ અરબ નાગરિકોની હત્યા કરી દેવાની યાદમાં જ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ દેખાવોમાં સામેલ થવા માટે ગાઝાના જુદા જુદા શહેરોમાંથી લોકો બસ મારફતે ઇઝરાયેલી બોર્ડર સુધી પહોંચ્યા હતા. ૪પ વર્ષીય એક દેખાવકાર અલ મદોને કહ્યું કે અમે અહીં શા માટે એકઠાં થયા છીએ ? અમે અહીં દુનિયા સુધી સંદેશો પહોંચાડવા માટે એકઠા થયા છીએ કે અમે પણ એક સુંદર જીવન જીવવાના હકદાર છીએ. તેણે કહ્યું કે મારો પરિવાર સરહદથી ફક્ત ૮૦૦ મીટરના અંતરે રહે છે. તેણે કહ્યું કે આશા છે કે આ દેખાવોને કારણે ગાઝાના તમામ નાગરિકો ફરીવાર એક મંચ પર આવી જશે. નોંધનીય છે કે હમાસ અને ફતાહ મુવમેન્ટને કારણે પેલેસ્ટીનના નાગરિકો વચ્ચે મતભેદો જોવા મળી રહ્યાં છે. જોકે આ મામલે ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે હજારો દેખાવકારો ગાઝા પટ્ટીમાં એકઠાં થયા હતા. તેઓએ સળગતા ટાયર અમારી તરફ ફેંક્યા અને પથ્થરમારો પણ કર્યો હતો. જોકે તેમને જવાબરુપે અમે આ કાર્યવાહી કરી હતી. જોકે આ મામલે તુર્કીએ પણ કહ્યું છે કે ઇઝરાયેલી સેના ખોટી રીતે શાંતિપૂર્ણ દેખાવો કરનારા પેલેસ્ટીની નાગરિકો પર સેનાનો પ્રયોગ કર્યો છે. અમે આ ઘટના બદલ ઇઝરાયેલની આકરી ટીકા કરીએ છીએ.