(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૬
રાજ્યના બાળ ગૃહમાં બે છોકરીઓ ગર્ભવતી મળી આવી હોવાના આરોપ અંગેની ટિપ્પણી મુદ્દે ઉત્તરપ્રદેશ સરકારે નોટિસ ફટકાર્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હિંદીમાં કરેલા ટિ્‌વટમાં તેમણે જણાવ્યું કે, ‘તેઓ જે કરવા માગે છે તે કરે, હું સત્ય લોકો સામે મુકવાનું ચાલુ રાખીશ. હું ઇન્દિરા ગાંધીની પૌત્રી છું, કેટલાક વિપક્ષના નેતાની જેમ ભાજપની અઘોષિત પ્રવક્તા નથી.’ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ શુક્રવારે જણાવ્યું હતું કે, સત્ય બોલવા બદલ ઉત્તરપ્રદેશ સરકાર વિવિધ વિભાગો દ્વારા તેમને ડરાવી રહી છે. ઉત્તરપ્રદેશ બાળ અધિકાર સુરક્ષા માટેના પંચ દ્વારા તેમને નોટિસ ફટકાર્યાના બીજા દિવસે પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશ સરકારને પડકાર ફેંક્યો છે. તેમને નોટિસમાં કાનપુરના શેલ્ટર હોમ અંગે ટિપ્પણી કરીને ગેરમાર્ગે દોરવા બદલ ત્રણ દિવસમાં જવાબ આપવા કહેવાયું હતું.
કોંગ્રેસના નેતાએ ફેસબૂક પર રવિવારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બાળ ગૃહમાં બે છોકરીઓ ગર્ભવતી મળી આવી હોવાના મીડિયા અહેવાલો મુદ્દે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આવા પ્રસંગે તપાસના નામે સત્યને દબાવવામાં આવી રહ્યું છે તે દેખાડે છે. શુક્રવારે તેમણે હિંદીમાં ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, લોકોના સેવક તરીકે ઉત્તરપ્રદેશના લોકો પ્રત્યે મારી ફરજ છે. અને આ ફરજ તેમની સમક્ષ સત્ય મુકવાની છે નહીં કે, સરકારના પ્રોપેગન્ડા મુકવાની. વિવિધ વિભાગો દ્વારા મને ડરાવવાતી યુપી સરકાર પોતાનો સમય બરબાદ કરી રહી છે. તેમણે કહ્યું કે, તેઓ જે પગલાં લેવા માગે તે લઇ શકે છે. હું સત્ય સામે લાવતી રહીશ. હું ઇન્દિરા ગાંધીની પૌત્રી છું, કેટલાક વિપક્ષી નેતાઓની જેમ ભાજપના અઘોષિત પ્રવક્તા નથી.