(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૪
રાજયસભાની ચાર બેઠકો માટે આગામી ૧૯મી જુને યોજાનારી છે ત્યારે કરજણ, કપરાડાનાં ધારાસભ્યોની સાથે આણંદનાં કોંગ્રેસનાં ધારાસભ્યએ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાની વહેતી થયેલી વાતો બાદ ધારાસભ્ય કાંતીભાઈ સોઢા પરમારે રાજીનામું આપ્યું હોવાની વાતને ફગાવી દઈ પોતે કોંગ્રસમાં જ છે, અને કોંગ્રેસમાં જ રહેશે તેમ જણાવી તમામ અટકળો અને અફવાઓનું ખંડન કર્યું હતું. ભાજપે રાજ્યસભાની ચારેય બેઠકો પર વિજય મેળવવા માટે કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડીને તોડ જોડનું રાજકારણ શરૂ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને આજે કરજણનાં ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાનાં ધારાસભ્ય અને ઠાંસરાનાં ધારાસભ્ય કાંતીભાઈ સોઢા પરમારએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસનાં કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા કાંતીભાઈ સોઢાપરમારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા સવારે તેઓ બેસણાનાં પ્રસંગમાં ગયા હોઈ તેઓનો મોબાઈલ બંધ હોઈ સંપર્ક થઈ શકયો ન હતો અને તેઓએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાની વાતને વધુ વેગ મળ્યો હતો.
પરંતુ ત્યારબાદ ધારાસભ્ય કાંતીભાઈ સોઢા પરમારનો ટેલીફોનીક સંપર્ક થતા જ તેઓએ રાજીનામું આપ્યું હોવાની વાતને સત્યથી વેગળી અને માત્ર અફવા હોવાનું જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે, મે કોઈ રાજીનામું આપ્યું નથી. તેમજ હું કોંગ્રેસમાંજ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું, કેટલાક લોકો દ્વારા ખોટી વાતો ફેલાવી હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય પરમારનાં નિવેદન બાદ રાજકારણમાં આવેલી તમામ અટકળોનો અંત આવ્યો હતો.