મોડાસા, તા.૪
કોરોનાના મહામારી વચ્ચે ગુજરાત સામાન્ય લોકો માટે લોકડાઉન અનલોક થતાં જ રાજકારણ પણ અનલોક થયું છે અને ચૂંટણી પંચે ગુજરાત સહિતની રાજ્યસભાની ૧૮ બેઠકોની ચૂંટણી જે મુલત્વી રાખવામાં આવી હતી તે ૧૯ જૂનના રોજ યોજાવાની હાલની સ્થિતિમાં ભાજપ પાસે ૧૦૩ અને કોંગ્રેસ પાસે ૬૮ ધારાસભ્યો છે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર,ભાજપ પોતાના મિશનમાં લાગી ગયું છે. એટલે કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો શરૂ કરી દીધા હોય તેમ બુધવારે કોંગ્રેસના ૩ ધારાસભ્યોએ રાજ્યના ડે.સીએમ નીતિન પટેલ સાથે બેઠક કરતા અલગ અલગ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ૫ ધારાસભ્યો રાજીનામું આપી આગામી સમયમાં કેસરિયો ખેસ ધારણ કરી શકે છે વહેતી થયેલી અફવામાં અરવલ્લી જિલ્લાના ભિલોડા-મેઘરજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષિયારાનું નામ પણ ચર્ચામાં આવતા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભિલોડા-મેઘરજના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષિયારાએ તમામ અફવાનું ખંડન કરી જણાવ્યું હતું કે હું કોંગ્રેસી છું અને હંમેશા કોંગ્રેસમાં રહીશ અને હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપવાનો છું તે વાત મારા માટે પણ આશ્ચર્યજનક છે આવી ખોટી અફવાઓથી મારી કોંગ્રેસ પક્ષ પ્રત્યેની વફાદારી સામે કોઈ ફર્ક પાડવાનો નથી તેમ જણાવ્યું હતું.